સોનુ એ માત્ર ઘરેણુ નથી. તે તો સંકટ સમયની સાંકળ છે. સોનાની ખરીદી રોકાણ માટે તો કરે જ છે પરંતુ મુસીબતના સમયમાં સોનુ કામ આવે છે. પૈસાની જરૂર પડ્યે આપણે સોના પર લોન લઇ શકીએ છીએ. ત્યારે આરબીઆઇ સોનુ ગિરવી રાખીને મળતી ગોલ્ડ લોનના નિયમો પર આરબીઆઇ કેટલાક ફેરફાર કરવા જઇ રહી છે. શું છે ફેરફાર અને તેનાથી વ્યક્તિને લાભ થશે કે નુકસાન આવો સમજીએ,...
આરબીઆઇના ગર્વનર સંજય મલ્હોત્રાએ હાલમાં એમપીસીની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે ગોલ્ડ લોનની નવી ગાઇડલાઇન હશે કે જેમાં અલગ અલગ આદેશોને એક જ જગ્યા પર લાવવાનું કામ થશે. આ બેંકોથી લઇને નોન બેંકિંગ ફાઇનાન્સ કંપની સુધી ગોલ્ડ લોનના નિયમો એક જેવા બનાવવા પર કામ કરશે.
નવા ગોલ્ડ લોન નિયમોમાં રાખ્યુ છે આ ધ્યાન
આરબીઆઇનું કહેવુ છે કે આ ગોલ્ડ સેક્ટરમાં દેવુ લેનારાનું પ્રોટેક્શન કરીશું. ગોલ્ડ લોન સેક્ટરમાં ટ્રાન્સપરન્સી લાવીશુ સાથે જ લોન આપનાર ફાયનાન્સિયલ ઇન્સ્ટીટ્યુશન્સની વાણિજ્યિક બેંકોની જેમ જવાબદારી નક્કી કરવામાં આવશે.
ગ્રાહકોને શું થશે ફાયદો અને નુકસાન ?
- નવા નિયમોમાં કહેવામાં આવ્યું છે કે 2.5 લાખ સુધીની કિંમતના સોનાને ગિરવી રાખીને ગોલ્ડ લોન લેવામાં આવે તો 85 ટકા સુધીની ગોલ્ડ લોન મળશે. જેમાં લોનનુ વ્યાજ પણ સામેલ હશે. પહેલા સોનાની વેલ્યૂના 75 ટકા લોન મળતી હતી જેમાં વ્યાજનો સમાવેશ થતો ન હતો. ઘણી નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ સોનાના 65 ટકા જ લોન આપતી હતી.
- 2.5 લાખ કરતા ઓછી ગોલ્ડ લોન લેનારે હવે ઇન્કમએસેસમેન્ટ કે ક્રેડિટ ચેક કરવાની જરૂર રહેશે નહી. જેનાથી ઓછી આવક વાળાને અને ઓછી લોન લેનારને ફાયદો થશે.
- જે ગોલ્ડ લોનમાં મૂડી અને વ્યાજ એક સાથે ચૂકવવામાં આવશે તેમણે 12 મહિના સુધી જ હફ્તા ભરવાના રહેશે. એટલેકે 1 વર્ષની અંદર લોન પુરી ચૂકવવી પડશે.
- આરબીઆઇએ એ પણ સ્પષ્ટ કર્યુ છે કે ગોલ્ડ લોન માટે ફક્ત 1 કિલો સુધીના સોનાના દાગીના ગીરવે મૂકી શકાય છે. જેમાં સોનાના સિક્કાની વધુમાં વધુ લિમિટ 50 ગ્રામ હશે.
- ગોલ્ડ લોનની સાથે સાથે ચાંદી પર પણ લોન મળશે. ચાંદીના ઘરેણા, સિક્કાને બદલે કેશ લોન અફોર્ડ કરી શકશે.
- આરબીઆઇએ ગોલ્ડ લોન આપનારી કંપનીઓની જવાબદારી નક્કી કરી છે. જેવી લોન બંધ થાય તે પછી એક ફિક્સ ટાઇમફ્રેમમાં ગિરવી રાખેલુ સોનુ-ચાંદી પરત આપવુ પડશે. નહી તો વળતર આપવુ પડશે.
- જો ગિરવી મૂકેલા સોનામાંથી કંઇક તૂટી જાય છે તો તેની જવાબદારી કંપનીની રહેશે અને તેની નુકસાની ચૂકવવી પડશે.
- એટલુ જ નહી, ગોલ્ડ લોન માટે જે ડોક્યુમેન્ટ તૈયાર થશે તેમાં સ્પષ્ટપણે સોનાનુ કેરેટ, તેની માત્ર તથા જો ડાયમંડ લાગેલા હોય તો તેનું અલગથી વજન બધુ જ કોન્ટ્રાક્ટમાં બતાવવુ પડશે.
- જો લોન ચૂકવણીમાં કંઇ ચૂક થાય તો તેની સંપૂર્ણ જાણકારી ઉધાર લેનાર વ્યક્તિએ હરાજી પહેલાં બધી સૂચનાઓ વગેરે પૂર્ણ કરવાની રહેશે.
જો કે ગોલ્ડ લોનના નવા નિયમો 1 એપ્રિલ 2026થી અમલી કરણમાં આવે તેવી શક્યતા છે.