રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નવા નિર્દેશો હેઠળ વિદેશથી આવતા ભંડોળ હવે તે જ દિવસે ખાતાઓમાં જમા થશે. આનાથી વ્યવહારો ઝડપી બનશે, વિલંબ ઓછો થશે અને ગ્રાહકોને પારદર્શિતા અને સુવિધામાં વધારો થશે.

શું છે નવો નિયમ ? 

  • સેમ-ડે ક્રેડિટ: જો બેંકને વિદેશી ભંડોળ ફોરેક્સ માર્કેટના કામકાજના કલાકો દરમિયાન મળે છે, તો તે નાણાં તે જ દિવસે ગ્રાહકના ખાતામાં જમા કરવા પડશે.
  •  માર્કેટના કલાકો પછીનો વ્યવહાર: જો નાણાં બજારના કલાકો પૂરા થયા પછી મળે કોઇ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે તો નાણાં આગામી કાર્યકારી દિવસે સવારમાં જ જમા કરવાના રહેશે.
  • તાત્કાલિક જાણકારી: બેંકે વિદેશથી નાણાં આવ્યાની જાણ ગ્રાહકને તરત જ કરવાની રહેશે. જો માહિતી બેંકિંગ સમય પછી મળે તો બીજા દિવસે સવારે જાણ કરવી અનિવાર્ય છે.

બેંકોમાં આવનારા ફેરફારો:

રિયલ ટાઇમ અપડેટ: અત્યાર સુધી બેંકો દિવસના અંતે ખાતાઓનું સેટલમેન્ટ કરતી હતી, પરંતુ હવે તેમણે દર કલાકે અથવા રિયલ ટાઇમમાં ડેટા અપડેટ કરવો પડશે.

STP (સ્ટ્રેટ થ્રુ પ્રોસેસિંગ): માનવીય ભૂલો ઘટાડવા અને સમય બચાવવા માટે બેંકોને ઓટોમેટિક સિસ્ટમ અપનાવવાની સલાહ અપાઈ છે, જેથી કોઈ મેન્યુઅલ હસ્તક્ષેપ વગર નાણાં સીધા ખાતામાં પહોંચે.

ટ્રેકિંગ સુવિધા: ગ્રાહકો પોતાના નાણાં ક્યાં પહોંચ્યા છે અને તેનું સ્ટેટસ શું છે તે ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ જોઈ શકશે.

શા માટે આ નિર્ણય લેવાયો?

અત્યાર સુધી વિદેશથી પૈસા આવવામાં 1 થી 2 દિવસનો સમય લાગતો હતો, જેના કારણે ખાસ કરીને આર્થિક જરૂરિયાતવાળા પરિવારો અને નાના વેપારીઓને મુશ્કેલી પડતી હતી.આ નવા નિયમથી વ્યવહારોમાં પારદર્શિતા આવશે.વૈશ્વિક સ્તરે ભારતની પેમેન્ટ સિસ્ટમ વધુ મજબૂત બનશે.ગ્રાહકોનો બેંકિંગ વ્યવસ્થા પર વિશ્વાસ વધશે. આ નિયમના અમલીકરણ માટે બેંકોને તેમની ટેકનોલોજી અને સિસ્ટમ સુધારવા માટે 6 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ત્યારબાદ આ નિયમ સખત રીતે લાગુ કરવામાં આવશે.