ઓક્ટોબરમાં યોજાનારી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠક પહેલાં વ્યાજ દરોને લઈને નાણાકીય બજારમાં મોટી હલચલ જોવા મળી રહી છે. 'બિઝનેસ સ્ટાન્ડર્ડ' દ્વારા કરાયેલા પોલમાં 10 માંથી 8 અર્થશાસ્ત્રીઓએ અનુમાન લગાવ્યું છે કે આ વખતે RBI રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ (0.25%) નો વધારો કરી શકે છે. જો આ નિર્ણય લેવાશે, તો રેપો રેટ 5.25% થી વધીને 5.50% થઈ જશે.

ઓક્ટોબરમાં યોજાશે MPC ની મહત્ત્વની બેઠક

RBI ની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 5 થી 7 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાવાની છે, અને બેઠકના અંતે 7 ઓક્ટોબરે પોલિસી દરોની જાહેરાત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, RBI એ છેલ્લી ચાર બેઠકોથી રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે. આ અગાઉ, વર્ષ 2025 દરમિયાન વ્યાજદરમાં કુલ 125 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. જો આ વખતે 25 બેસિસ પોઈન્ટનો વધારો થશે, તો ફેબ્રુઆરી 2023 પછી આ પ્રથમ વખત હશે જ્યારે RBI દર વધારશે.

વધતો ફુગાવો અને મોંઘવારી પાછળનું મુખ્ય કારણ

રેપો રેટ વધારવાની આશંકા પાછળનું મુખ્ય કારણ સતત વધી રહેલો ફુગાવો છે. ઓગસ્ટ 2026 માં છૂટક મોંઘવારી દર (રિટેલ ઈન્ફ્લેશન) વધીને 4.82% પહોંચ્યો હતો, જે સતત ત્રીજા મહિને RBI ના મધ્યમ ગાળાના ૪% ના લક્ષ્યાંકથી ઉપર રહ્યો છે. ખાસ કરીને ખાદ્ય પદાર્થો અને ઊર્જાના ભાવમાં થયેલા વધારાને કારણે ફુગાવાનું દબાણ વધ્યું છે. આ ઉપરાંત, ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો પણ વધીને 9.92% થયો છે, જ્યારે કાચા તેલની વૈશ્વિક કિંમતો અને ભૌગોલિક-રાજકીય (જીઓ-પોલિટિકલ) તણાવ ચિંતા વધારી રહ્યા છે.

મજબૂત આર્થિક ગ્રોથ, રૂપિયો અને વૈશ્વિક પરિબળો

બીજી તરફ, ભારતીય અર્થતંત્રમાં મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે, જેના કારણે RBI પાસે આર્થિક પ્રવૃત્તિઓને નુકસાન પહોંચાડ્યા વિના ફુગાવાને નિયંત્રિત કરવાની તક છે. આ ઉપરાંત, આ વર્ષે યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો લગભગ૬% જેટલો નબળો પડ્યો છે. અમેરિકા સહિતના મુખ્ય દેશોમાં વ્યાજદરોમાં થઈ રહેલા ફેરફારો અને ભારત-અમેરિકા વચ્ચેના ઈન્ટરેસ્ટ રેટ તફાવતને કારણે વિદેશી રોકાણ અને રૂપિયાની સ્થિરતા જાળવવી RBI માટે પડકારજનક બન્યું છે.

સામાન્ય નાગરિકોની લોન અને EMI પર શું અસર પડશે?

જો RBI રેપો રેટમાં વધારો કરવાનો નિર્ણય લેશે, તો બેંકો માટે ધિરાણ મોંઘું થશે. આ નિર્ણયની સીધી અસર રેપો-લિંક્ડ ફ્લોટિંગ રેટ હોમ લોન, ઓટો લોન અને પર્સનલ લોન પર પડશે, જેના કારણે ગ્રાહકોની બેંક લોન મોંઘી થઈ શકે છે અથવા તેમના માસિક હપ્તા (EMI) માં વધારો થઈ શકે છે. જોકે, ગ્રાહકના EMI માં કેટલો ફેરફાર થશે તે સંબંધિત બેંકના વ્યાજદર અને લોનની શરતો પર નિર્ભર રહેશે.


આ પણ વાંચો : PM Kisan: પીએમ કિસાન યોજનાના 24મા હપ્તાને લઇને શું છે અપડેટ, જાણો અહીં