બિસ્કિટના બજારમાં પોતાની પકડ મજબૂત કરવા રિલાયન્સે નવી તૈયારી કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની FMCG કંપની Reliance Consumer Products Limited (RCPL)એ પોતાના ઇન્ડિપેન્ડન્સ બ્રાન્ડ હેઠળ 9 નવી બિસ્કિટ વેરાયટી લોન્ચ કરી છે. આ નવી રેન્જ 2 નવેમ્બર 2026થી તમિલનાડુમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગઈ છે. કંપનીએ આ વિસ્તરણ હેઠળ કુલ 28 નવા SKU રજૂ કર્યા છે. નવી રેન્જમાં રોજિંદા નાસ્તામાં ખાઈ શકાય તેવા બિસ્કિટથી લઈને ચોકલેટ અને ક્રીમના સ્વાદવાળા વિકલ્પો સામેલ છે. કંપનીએ અલગ-અલગ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તેની કિંમત નક્કી કરી છે. ટ્રાયલ પેક ₹5થી શરૂ થશે, જ્યારે શેરિંગ પેક ₹10માં મળશે. મોટા હોમ પેકની કિંમત ₹40થી ₹125 વચ્ચે રાખવામાં આવી છે.
ઇન્ડિપેન્ડન્સની 9 નવી વેરાયટી કઈ છે?
રિલાયન્સે ઇન્ડિપેન્ડન્સ બ્રાન્ડ હેઠળ પાવર અપ, બટર બ્લિસ, મિલ્કી પાવર, મેરી પ્રાઇમ, કોકો વેનિલા એન્ડ ચોકલેટ, ક્રેમયમ ઓરેન્જ, ક્રેમયમ ચોકો, કોકો બોર્બન અને ગ્લુકોઝ બૂસ્ટ નામની 9 નવી બિસ્કિટ વેરાયટી રજૂ કરી છે. આ રેન્જમાં બટર, દૂધ, મેરી, કોકો, વેનિલા, ચોકલેટ અને ઓરેન્જ ક્રીમ જેવા અલગ-અલગ સ્વાદનો સમાવેશ થાય છે. કંપનીનો પ્રયાસ એક જ પ્રકારનાં બિસ્કિટ સુધી મર્યાદિત રહેવાને બદલે ગ્રાહકોની જુદી-જુદી પસંદગી પ્રમાણે વધુ વિકલ્પો આપવાનો છે.
પાવર અપ બિસ્કિટમાં શું છે ખાસ?
નવી રેન્જમાં ઇન્ડિપેન્ડન્સ પાવર અપ અને ઇન્ડિપેન્ડન્સ મિલ્કી પાવરને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ, પાવર અપ બિસ્કિટમાં દૂધ, ગ્લુકોઝ અને પ્રોટીનનું મિશ્રણ છે. આ ત્રણેય ઘટકોને એક જ બિસ્કિટમાં સામેલ કરીને રોજિંદા બિસ્કિટની કેટેગરીમાં અલગ ઓળખ ઊભી કરવાનો કંપનીનો પ્રયાસ છે. RCPLના ડિરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું હતું કે તમિલનાડુ કંપનીના બિસ્કિટ બિઝનેસ માટે મહત્વનું બજાર છે. ગ્રાહકોની બદલાતી પસંદગી પ્રમાણે નવી પ્રોડક્ટ્સ રજૂ કરવાની સાથે કંપની ઉત્પાદન ક્ષમતા અને વિતરણ વ્યવસ્થાને પણ મજબૂત બનાવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે દૂધવાળા બિસ્કિટનો ઉપયોગ ભારતીય ઘરોમાં પહેલેથી જ થાય છે. પાવર અપ દ્વારા કંપની આ પરિચિત કેટેગરીમાં દૂધ, ગ્લુકોઝ અને પ્રોટીનનું મિશ્રણ ધરાવતો નવો વિકલ્પ રજૂ કરી રહી છે.
પાવર અપના પ્રચાર માટે અજીત કુમાર રેસિંગ સાથે જોડાણ
નવી બિસ્કિટ રેન્જમાં પાવર અપના પ્રચાર માટે RCPLએ અજીત કુમાર રેસિંગ સાથે ભાગીદારી કરી છે. આ જોડાણ દ્વારા કંપની મોટરસ્પોર્ટ સાથે જોડાયેલી ઝડપ અને પ્રદર્શનની છબીને પ્રોડક્ટ સાથે સાંકળવા માગે છે. ખાસ કરીને તમિલનાડુમાં બ્રાન્ડની ઓળખ વધારવા અને વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે આ ભાગીદારી કરવામાં આવી છે. અજીત કુમાર રેસિંગ સાથેનું જોડાણ પાવર અપ બિસ્કિટના પ્રચારમાં મહત્વની ભૂમિકા ભજવશે.
કરિયાણાની દુકાનથી ઓનલાઇન સુધી મળશે બિસ્કિટ
કંપની નવી બિસ્કિટ રેન્જને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે વેચાણનાં અનેક માધ્યમોનો ઉપયોગ કરશે. આ પ્રોડક્ટ્સ સ્થાનિક કરિયાણાની દુકાનો, મોટા રિટેલ સ્ટોર્સ, ઓનલાઇન ખરીદીના મંચો, રિલાયન્સ રિટેલ સ્ટોર્સ અને હોલસેલ માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમિલનાડુમાં વધારેલી ઉત્પાદન ક્ષમતાના આધારે કંપની આ બજારમાં પોતાની પહોંચ વધારવાની યોજના ધરાવે છે. જોકે, હાલ આ નવી રેન્જનું લોન્ચ તમિલનાડુ માટે જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં આ બિસ્કિટ ક્યારે ઉપલબ્ધ થશે તે અંગે કંપનીએ કોઈ માહિતી આપી નથી.
બિસ્કિટના બજારમાં રિલાયન્સની બેવડી વ્યૂહરચના
રિલાયન્સ પોતાના બિસ્કિટ બિઝનેસને બે બ્રાન્ડના આધારે આગળ વધારી રહી છે. ઇન્ડિપેન્ડન્સ બ્રાન્ડ દ્વારા કંપની રોજિંદા વપરાશ અને અલગ-અલગ સ્વાદવાળા બિસ્કિટની વિશાળ રેન્જ સાથે વધુ ગ્રાહકો સુધી પહોંચવા માગે છે. બીજી તરફ, શ્રીલંકાની જાણીતી બિસ્કિટ ઉત્પાદક કંપની માલિબાન સાથેની ભાગીદારી દ્વારા કંપની અલગ અને પ્રીમિયમ પ્રકારનાં બિસ્કિટ પર ધ્યાન આપી રહી છે. માલિબાનનો અનુભવ અને નિષ્ણાતી રિલાયન્સને આ કેટેગરીમાં નવા વિકલ્પો રજૂ કરવામાં મદદરૂપ થશે.
આમ, એક તરફ સસ્તા અને રોજિંદા વપરાશનાં બિસ્કિટ દ્વારા મોટા ગ્રાહકવર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ છે, તો બીજી તરફ પ્રીમિયમ બિસ્કિટની કેટેગરીમાં સ્થાન મજબૂત કરવાની યોજના છે. ઇન્ડિપેન્ડન્સ હેઠળ રજૂ કરાયેલી 9 નવી વેરાયટી આ વ્યૂહરચનાનો જ એક ભાગ છે.
આ પણ વાંચો: UPI payments: દુબઈ-સિંગાપોર જતા ભારતીયો માટે ખુશખબર, UPIથી બુક થશે બુર્જ ખલીફાની ટિકિટ!