દેશની સૌથી મોટી માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થયેલા ચોથા ત્રિમાસિકના પરિણામો જાહેર કર્યા છે. આ ત્રિમાસિકમાં કંપનીનો કન્સોલિડેટેડ નફો ઘટીને રૂપિયા 16,971 કરોડ રહ્યો છે, જે અગાઉના ત્રિમાસિકના રૂપિયા 18,645 કરોડ અને ગયા વર્ષના સમાન સમયગાળાના રૂપિયા 19,407 કરોડ કરતાં ઓછો છે. જોકે, આવકમાં વધારો નોંધાયો છે.


નાણાકીય વર્ષ 2026 માટે કંપનીનો નેટ પ્રોફિટ રૂપિયા 80,775 કરોડ રહ્યો

ત્રિમાસિક આધારે કંપનીની કુલ આવક રૂપિયા 2.65 લાખ કરોડથી વધી રૂપિયા 2.94 લાખ કરોડ પર પહોંચી છે, જ્યારે વાર્ષિક આધારે પણ રૂપિયા 2.61 લાખ કરોડથી વધી રૂપિયા 2.94 લાખ કરોડ થઈ છે. પૂરા નાણાકીય વર્ષ 2026 માટે કંપનીનો નેટ પ્રોફિટ રૂપિયા 80,775 કરોડ રહ્યો, જે FY25ના રૂપિયા 69,648 કરોડની સરખામણીએ લગભગ 16% વધુ છે. કંપનીની ઓપરેશનલ આવક પણ વધીને રૂપિયા 10,75,675 કરોડ પર પહોંચી છે. EBITDAના આંકડાઓ મુજબ, વાર્ષિક આધારે વધારો થઈ રૂપિયા 44,141 કરોડ રહ્યો, પરંતુ ત્રિમાસિક આધારે ઘટાડો નોંધાયો છે. EBITDA માર્જિન ત્રિમાસિક ધોરણે 17.4%થી ઘટીને 15% અને વાર્ષિક ધોરણે 16.8%થી ઘટીને 15% પર આવ્યો છે.

ઓઈલ અને ગેસ સેગમેન્ટમાં ત્રિમાસિક આવકમાં થોડો વધારો

ઓઈલ ટુ કેમિકલ (O2C) બિઝનેસમાં આવક વધીને રૂપિયા 1.85 લાખ કરોડ થઈ છે, પરંતુ EBITDA અને માર્જિનમાં ઘટાડો થયો છે. જ્યારે ઓઈલ અને ગેસ સેગમેન્ટમાં ત્રિમાસિક આવકમાં થોડો વધારો થયો છે, પણ વાર્ષિક આધારે ઘટાડો નોંધાયો છે. EBITDA અને માર્જિન બંનેમાં પણ ઘટાડો થયો છે. આ પરિણામો દર્શાવે છે કે આવકમાં વૃદ્ધિ છતાં નફાકારકતા પર દબાણ યથાવત છે.

આ પણ વાંચો : Share Market : વિદેશી રોકાણકારોની ભારે વેચવાલી, એપ્રિલ મહિનામાં જ 43,967 કરોડનું કર્યું વેચાણ

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.


  • Follow us on: