6 માર્ચે શુક્રવારે રેલ્વે ક્ષેત્રની સરકારી માલિકીની કંપનીઓના શેરમાં અચાનક જ તેજી જોવા મળી છે. મળતી માહિતી મુજબ રેલ્વે મંત્રાલયે IRCON ઈન્ટરનેશનલને રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) સાથે મર્જ કરવાનો ઔપચારિક પ્રસ્તાવ મૂક્યો છે. આ સમાચાર બાદ રેલ્વે પીએસયુ શેરમાં જોરદાર ખરીદી જોવા મળી, જેમાં કેટલાક શેરમાં 11 ટકા સુધીનો વધારો થયો છે.

રેલટેલના શેરમાં આશરે 4.2 ટકાનો વધારો

બપોરે 12.30 વાગ્યે, IRCON ઈન્ટરનેશનલના શેર લગભગ 11 ટકા વધીને 148.35 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા હતો. RVNLના શેર લગભગ 3 ટકા વધીને રૂપિયા 288.3 પર ટ્રેડ થઈ રહ્યા હતા. આ સમાચારથી સમગ્ર રેલ્વે ક્ષેત્રના શેરો પર અસર પડી. રેલટેલના શેરમાં આશરે 4.2 ટકાનો વધારો થયો હતો, જ્યારે RITESના શેરમાં આશરે 3.5 ટકાનો વધારો જોવા મળ્યો હતો. IRFCના શેરમાં પણ આશરે 1.5 ટકાનો વધારો થયો હતો.

31 દેશમાં 900થી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા

IRCON ઈન્ટરનેશનલ એક એન્જિનિયરિંગ અને બાંધકામ કંપની છે જે મુખ્યત્વે પરિવહન માળખાગત પ્રોજેક્ટ્સમાં નિષ્ણાત છે. કંપની પાસે એક મજબૂત આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે અને તેણે દક્ષિણપૂર્વ એશિયા અને મધ્ય પૂર્વ સહિત 31 દેશમાં 900થી વધુ પ્રોજેક્ટ્સ પૂર્ણ કર્યા છે. તે એક નવરત્ન સરકારી કંપની છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)એ ભારતીય રેલ્વે પ્રોજેક્ટ્સ માટે રેલ્વે મંત્રાલયની પ્રાથમિક અમલીકરણ એજન્સી છે. RVNL દેશના રેલ્વે વિદ્યુતીકરણના 25 ટકાથી વધુ કાર્ય માટે જવાબદાર છે. તે એક નવરત્ન સરકારી કંપની પણ છે.

આ પણ વાંચો : Tata Group Stock : શેરબજારમાં સતત ઘટાડા વચ્ચે ટાટાનો આ શેર અચાનક જ ચમક્યો, 4 દિવસમાં 67%નું આપ્યું રિટર્ન


ડિસ્કલેમર: શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.