પ્રાઈવેટ સેક્ટરમાં નોકરી કરતા લોકો માટે એક સારાં સમાચાર સામે આવી રહ્યા છે. જી હાં, વર્ષ 2026માં પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓની સેલેરીમાં સરેરાશ 9 ટકા વધારો થઈ શકે છે. આ દરમિયાન કંપનીઓ કર્મચારીઓના બોનસ, સ્કિલ્સ અને પરફોર્મન્સને પણ વધુ મહત્વ આપશે. બુધવારે એક રિપોર્ટમાં આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગ્લોબલ કન્સલ્ટન્સી કંપની ‘મર્સર’ની સેલેરી સર્વે રિપોર્ટ 2026 મુજબ, કંપનીઓ હવે સેલેરી અને અન્ય લાભોનું એવું સિસ્ટમ બનાવી રહી છે, જેમાં કર્મચારીઓને માત્ર પૈસા જ નહીં પરંતુ કરિયરમાં આગળ વધવાની તક અને વધુ સારું વર્ક એક્સપિરિયન્સ પણ મળે.
શોર્ટ-ટર્મ ઇન્સેન્ટિવ્સ સાથે જોડાયેલા બોનસ પર ખાસ ભાર
સેલેરી સર્વે રિપોર્ટ મુજબ, સેલેરી હાઈકના નિર્ણયમાં કર્મચારીઓનું વ્યક્તિગત પરફોર્મન્સ, મહેસૂલી ફુગાવો (મોંઘવારી)નો અસર અને જૉબ માર્કેટમાં કંપનીની સ્પર્ધાત્મક સ્થિતિ જેવા મુખ્ય પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે. આ સર્વેમાં 1500થી વધુ કંપનીઓ અને 8000થી વધુ પદોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ દર્શાવે છે કે હવે શોર્ટ-ટર્મ ઇન્સેન્ટિવ્સ એટલે કે પરફોર્મન્સ આધારિત બોનસ પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે. સાથે જ કંપનીઓ સ્કિલ્સ આધારિત સંગઠનાત્મક માળખા તરફ આગળ વધી રહી છે, જેથી જરૂરી અને દુર્લભ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને વધુ ઓળખ અને વળતર મળી શકે.










