ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (SEBI)એ પંપ-એન્ડ-ડમ્પ શેરબજાર કૌભાંડ મામલે મોટો નિર્ણય લીધો છે. નિયમનકારે કુલ 221 સંસ્થાઓને શેરબજારમાં 7 વર્ષ સુધી ટ્રેડિંગ કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. સાથે જ મુખ્ય આરોપી વ્યક્તિગત રોકાણકાર હનીફ શેખ પર ₹10 કરોડનો દંડ પણ લગાવવામાં આવ્યો છે.
શેરોમાં મોટા પાયે હેરાફેરી
પંપ-એન્ડ-ડમ્પ એ એક પ્રકારની બજાર હેરાફેરી છે, જેમાં ઓછી લિક્વિડિટી ધરાવતા શેરો ખરીદી તેમની કિંમત ખોટી રીતે સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોથી વધારવામાં આવે છે અને બાદમાં ઊંચા ભાવે વેચીને રોકાણકારોને નુકસાન પહોંચાડવામાં આવે છે. SEBIના આદેશ મુજબ 2017થી 2020 દરમિયાન પાંચ શેરોમાં મોટા પાયે હેરાફેરી કરવામાં આવી હતી, જેમાં મૌર્ય ઉદ્યોગ લિમિટેડ, 7NR રિટેલ, દાર્જિલિંગ રોપવે કંપની, GBL ઇન્ડસ્ટ્રીઝ અને વિશાલ ફેબ્રિક્સ લિમિટેડ સામેલ છે.
આ કૌભાંડથી લગભગ 143.79 કરોડનો ગેરકાયદે નફો કમાયો
તપાસમાં જાણવા મળ્યું કે હનીફ શેખે 200થી વધુ સંકળાયેલી સંસ્થાઓ સાથે મળીને એક સુનિયોજિત યોજના હેઠળ બજારને પ્રભાવિત કર્યું હતું. આ ગઠિત નેટવર્કમાં અલગ-અલગ સંસ્થાઓને ઈન્ફ્લુએન્સર, કોલેબોરેટર અને ઓફલોડર જેવી ભૂમિકાઓ આપવામાં આવી હતી, જેથી ગેરકાયદે નફો વિવિધ માધ્યમો દ્વારા ફરીને મુખ્ય આરોપી સુધી પહોંચી શકે.
SEBIના જણાવ્યા મુજબ આ કૌભાંડથી લગભગ ₹143.79 કરોડનો ગેરકાયદે નફો કમાયો હતો. નિયમનકારે હનીફ શેખને 7 વર્ષ માટે બજારમાંથી બહાર કર્યો છે, જ્યારે સંબંધિત પાંચ સંસ્થાઓને 6 વર્ષ માટે પ્રતિબંધિત કરી દરેક પર ₹2-2 કરોડનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત, તમામ પાસેથી ગેરકાયદે કમાણી વ્યાજ સહિત વસૂલવાની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો : 4 દિગ્ગજ ભારતીય કંપનીઓને અમેરિકાથી મોટી રાહત, બ્લેકલિસ્ટમાંથી કાઢી બહાર
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.