SEBIએ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન (F&O) ટ્રેડિંગને વધુ સરળ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ નવા ડ્રાફ્ટનો હેતુ બજારમાં અચાનક થતા મોટા ઉતાર-ચઢાવ દરમિયાન ટ્રેડર્સને વધુ સારા વિકલ્પો ઉપલબ્ધ કરાવવાનો છે. હાલમાં ઘણી વખત એવું બને છે કે બજારમાં અચાનક મોટી તેજી અથવા ભારે ઘટાડો આવે ત્યારે યોગ્ય સ્ટ્રાઈક પ્રાઈસ ઉપલબ્ધ નથી રહેતી.

જૂના સ્ટ્રાઈક પ્રાઈસ દૂર કરવાની છૂટ આપવામાં આવશે

ઉદાહરણ તરીકે, જો નિફ્ટી અચાનક 25,000થી 25,700 સુધી પહોંચી જાય તો વચ્ચેના જરૂરી સ્ટ્રાઈક પ્રાઈસ માર્કેટમાં ઉપલબ્ધ ન હોવાને કારણે ટ્રેડર્સને મુશ્કેલી પડે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે SEBIએ સૂચન કર્યું છે કે હવે સ્ટોક એક્સચેન્જોને લાઈવ માર્કેટ દરમિયાન જ નવા સ્ટ્રાઈક પ્રાઈસ ઉમેરવાની અથવા જૂના, ઉપયોગમાં ન આવતા સ્ટ્રાઈક પ્રાઈસ દૂર કરવાની છૂટ આપવામાં આવશે. એટલે કે બજારની ચાલ પ્રમાણે તરત જ નવા ઓપ્શન ઉપલબ્ધ રહેશે.

ટેક્નિકલ સિસ્ટમ પર વધારાનો ભાર ન પડે તેનું ખાસ ધ્યાન રખાશે

આ નવી વ્યવસ્થામાં એક્સચેન્જોને આ પણ સુનિશ્ચિત કરવું પડશે કે માર્કેટ પ્રાઈસની આસપાસ પૂરતી સંખ્યામાં ઇન-ધ-મની (ITM) અને આઉટ-ઓફ-ધ-મની (OTM) સ્ટ્રાઈક ઉપલબ્ધ રહે. સાથે જ દરરોજ માર્કેટની સમીક્ષા કરીને જૂના અને બિનઉપયોગી સ્ટ્રાઈક દૂર કરવાની પણ વ્યવસ્થા રહેશે. SEBIનું કહેવું છે કે આ બદલાવ દરમિયાન બ્રોકિંગ કંપનીઓના ટેક્નિકલ સિસ્ટમ પર વધારાનો ભાર ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. લાઈવ ટ્રેડિંગ દરમિયાન નવા કોન્ટ્રેક્ટ ઉમેરવા છતાં સિસ્ટમમાં કોઈ અવરોધ ન આવે તે જરૂરી રહેશે.

15 જૂન સુધી સૂચનો મગાવવામાં આવ્યા

નવી વ્યવસ્થામાં એક્સચેન્જોને થોડી સ્વતંત્રતા પણ મળશે, જેમાં તેઓ પોતે નક્કી કરી શકશે કે બે સ્ટ્રાઈક પ્રાઈસ વચ્ચે કેટલું અંતર રાખવું. સાથે જ પારદર્શિતા જાળવવા માટે તમામ નિયમો તેમની વેબસાઈટ પર જાહેર કરવા ફરજિયાત રહેશે. આ પ્રસ્તાવ પર હવે રોકાણકારો, બ્રોકર્સ અને બજારના તમામ હિસ્સેદારો પાસેથી 15 જૂન 2026 સુધી સૂચનો મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Inflation In India: મોંઘવારીએ તો ભારે કરી ! 12 દિવસમાં તો બજેટ બગાડી દીધુ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.