સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને પ્રી-IPO પ્લેસમેન્ટમાં રોકાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. SEBIએ જણાવ્યું હતું કે મ્યુચ્યુઅલ ફંડ હવે ફક્ત એન્કર ઈન્વેસ્ટર ભાગ અથવા IPOના પબ્લિક ઈશ્યૂમાં જ રોકાણ કરી શકશે. આ નિર્ણય બાદ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને મોટો ઝટકો લાગી શકે છે.
SEBIએ મ્યુચ્યુઅલ ફંડ એસોસિએશનને લખ્યો પત્ર
સેબીએ એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)ને લખેલા પત્રમાં સ્પષ્ટતા કરી છે કે સેબી (મ્યુચ્યુઅલ ફંડ્સ) રેગ્યુલેશન્સ, 1996 હેઠળ, મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ફક્ત ઈક્વિટી શેર અથવા સંબંધિત સાધનોમાં જ રોકાણ કરી શકે છે જે સૂચિબદ્ધ છે અથવા સૂચિબદ્ધ થવાની સંભાવના છે. સેબીએ જણાવ્યું હતું કે ઘણા મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસે એન્કર બુક ખુલતા પહેલા પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટમાં ભાગ લઈ શકે છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. સેબીએ સ્પષ્ટતા કરી હતી કે આમ કરવું નિયમોનું ઉલ્લંઘન હશે, કારણ કે જો કોઈ કારણોસર આઈપીઓ મુલતવી રાખવામાં આવે છે અથવા રદ કરવામાં આવે છે તો મ્યુચ્યુઅલ ફંડ્સે અનલિસ્ટેડ શેર રાખવા પડશે, જે સેબીના નિયમોની વિરુદ્ધ છે.
સેબીએ જણાવ્યું હતું કે "જો મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સને પ્રી-IPO પ્લેસમેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે તો તેઓ અનલિસ્ટેડ ઈક્વિટી શેર ધરાવી શકે છે, જે નિયમનકારી જોગવાઈઓનું ઉલ્લંઘન હશે. તેથી, સ્પષ્ટતા કરવામાં આવે છે કે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ ફક્ત એન્કર ઈન્વેસ્ટર ભાગ અથવા જાહેર ઈશ્યૂમાં જ ભાગ લઈ શકે છે"
મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ શું પડશે અસર?
આ પગલાને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે, કારણ કે ઘણા ફંડ હાઉસ પ્રી-આઈપીઓ રોકાણોને આલ્ફા રિટર્ન (વધારાના વળતર)નો સ્ત્રોત માનતા હતા. નિષ્ણાતો કહે છે કે જ્યારે આઈપીઓના ભાવ પૂર્વ-નિર્ધારિત હોય છે, ત્યારે પ્રી-આઈપીઓમાં પ્રારંભિક રોકાણથી વધુ નફો કમાવવાનું શક્ય હતું. ઘણા ઉદ્યોગ નિષ્ણાતોએ સેબીના નિર્ણયને "આઘાતજનક અને અસંતુલિત" ગણાવ્યો છે. તેઓ કહે છે કે જ્યારે ફેમિલી ઓફિસો, AIFs (વૈકલ્પિક રોકાણ ભંડોળ) અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો પ્રી-IPO રોકાણ કરી શકે છે, ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સને બાકાત રાખવું અન્યાયી છે. જોકે, એક ઉદ્યોગ અધિકારીએ જણાવ્યું હતું કે, "જો યોગ્ય સલામતી અને પારદર્શિતા જાળવવામાં આવે તો મ્યુચ્યુઅલ ફંડ્સને પણ પ્રી-આઈપીઓમાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ." બીજી બાજુ, કેટલાક નિયમનકારી સૂત્રો કહે છે કે તાજેતરના નિરીક્ષણોમાં કેટલીક અનિયમિતતાઓ બહાર આવી છે, તેથી જ સેબીએ સાવચેતીના પગલા તરીકે આ પગલું ભર્યું છે.
સેબીનો ઉદ્દેશ્ય
સેબીએ જણાવ્યું હતું કે આ નિર્ણય રોકાણકારોને સુરક્ષિત રાખવા અને મ્યુચ્યુઅલ ફંડ્સ ફક્ત લિસ્ટેડ અથવા ટૂંક સમયમાં લિસ્ટેડ થનારી કંપનીઓમાં જ રોકાણ કરે તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો છે. પારદર્શિતા વધારવા અને સંભવિત જોખમો ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
ડિસ્કલેમર: શેરબજારમાં રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. સંદેશ ન્યુઝ કોઈ પણ પ્રકારના રોકાણ માટે પ્રોત્સાહિત કરતું નથી.