દિવાળીના અવસર પર ભારતીય શેરબજારમાં શાનદાર તેજી રહી છે. શરૂઆતમાં નિફ્ટી 25,900ની પાર પહોંચી ગયો હતો, જ્યારે સેન્સેક્સમાં 600 પોઈન્ટથી વધારેનો ઉછાળો જોવા મળ્યો હતો, જો કે માર્કેટ બંધ થયું, ત્યારે તેમાં થોડો પ્રોફિટ બુકિંગ જોવા મળ્યો. નિફ્ટી 133 પોઈન્ટ વધીને 25,843 અને સેન્સેક્સ 411 પોઈન્ટ વધીને 84,363 પર બંધ થયું.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરે કરી કમાલ

BSEના ટોપ 30 શેરની વાત કરીએ તો મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પરિણામ આવ્યા બાદ કમાલનું પ્રદર્શન કર્યું છે. RILના શેરના ભાવમાં 3.52 ટકા વધી 1466.80 રૂપિયા પ્રતિ શેર પર બંધ થયો. બજાજ ફિનસર્વના સ્ટોકમાં 2.65 ટકાની તેજી જોવા મળી, ભારતીય એરટેલનો શેર પણ 1.95 ટકાના વધારા સાથે બંધ થયો. BSEના 30 શેરમાંથી 11માં ઘટાડો નોંધાયો અને 19 શેરમાં તેજી જોવા મળી.

રોકાણકારોને 4 લાખ કરોડનો થયો ફાયદો

ત્યારે BSEનું માર્કેટ કેપિટલાઈઝેશન 466.92 લાખ કરોડ રૂપિયા હતું, જે વધીને 469.73 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે. તેનો મતલબ એ છે કે રોકાણકારોની વેલ્યુવેશનમાં લગભગ 4 લાખ કરોડનો વધારો થયો છે. બેન્કિંગ શેરમાં સૌથી વધારે તેજી સાઉથ ઈન્ડિયન બેન્કના શેરમાં રહી છે. જે 15.56 ટકા વધીને 37.73 રૂપિયા પર બંધ થયો છે. ત્યારબાદ સીએટના શેરમાં 12.63 ટકાની તેજી આવી છે. DCB બેન્ક 12.21 ટકા વધ્યો, એયુ સ્મોલ ફાઈનાન્સ અને RBL બેન્કનો ભાવ 9 ટકાથી વધારે ઉછળ્યા છે. CSB બેન્કના શેરમાં 8 ટકાની તેજી રહી છે.