ભારતીય શેરબજારમાં સોમવાર, 25 મેના રોજ જોરદાર તેજી જોવા મળી. તમામ સેગમેન્ટમાં ખરીદી વધતા સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં 1 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો. સેન્સેક્સ 1,074 અંક એટલે કે 1.42 ટકા વધીને 76,488.96 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટીમાં 1.32 ટકાની તેજી સાથે 24,031.70ના સ્તરે બંધ રહ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો.
રોકાણકારો થયા માલામાલ
શેરબજારમાં આવેલી આ તેજીના કારણે રોકાણકારોએ એક જ દિવસમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. BSEમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 463 લાખ કરોડ રૂપિયાથી વધીને લગભગ 469 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
આ છે બજારમાં તેજી પાછળના કારણો?
- બજારમાં તેજી પાછળના મુખ્ય કારણોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની વધતી આશાઓ મહત્વપૂર્ણ રહી હતી.
- આ સમાચાર બાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો હતો. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરથી નીચે પહોંચતા ભારત જેવા તેલ આયાતક દેશોને રાહત મળવાની આશા વધી હતી.
- આ ઉપરાંત એશિયન અને યુરોપિયન બજારોમાં પણ સકારાત્મક માહોલ જોવા મળ્યો હતો.
- જાપાનનો નિક્કેઈ અને અન્ય વૈશ્વિક ઈન્ડેક્સમાં તેજીથી ભારતીય બજારને પણ ટેકો મળ્યો હતો.
- બીજી તરફ રૂપિયામાં મજબૂતી અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઘટાડાએ પણ રોકાણકારોની ભાવના મજબૂત બનાવી હતી. જોકે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) હજુ પણ ભારતીય બજારમાં વેચવાલી કરતા જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો : US Iran Nuclear Deal થયા બાદ હવે સંપૂર્ણપણે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે જોવાઇ રહી છે રાહ