પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ પહેલાં કરતાં થોડી શાંત થઈ છે, પરંતુ તેની અસર હજુ પણ વેપાર પર જોવા મળી રહી છે. ભારતમાંથી વિદેશમાં માલ મોકલવા માટે વેપારીઓએ હવે પહેલાં કરતાં ઘણા વધારે પૈસા ખર્ચવા પડી રહ્યા છે. ખાસ કરીને દરિયાઈ માર્ગે મોકલવામાં આવતા માલના ભાડામાં મોટો વધારો થયો છે. ભારતથી દુબઈના જેબલ અલી બંદર સુધી 40 ફૂટના એક કન્ટેનર મોકલવાનું ભાડું વધીને લગભગ 8,000 ડોલર થઈ ગયું છે. ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ ₹7 લાખ થાય છે. યુદ્ધ પહેલાં આ જ ભાડું માત્ર 800 ડોલર એટલે કે લગભગ ₹70 હજાર હતું. જૂન-જુલાઈમાં પણ આ ભાડું લગભગ 5,500 ડોલર હતું. અમેરિકા અને યુરોપમાં પણ ભાડું ઘણું વધી ગયું છે. ભારતથી અમેરિકા 40 ફૂટનું કન્ટેનર મોકલવા માટે હાલમાં લગભગ 12,000 ડોલર એટલે કે ₹10.5 લાખથી વધુ ખર્ચ થાય છે. જૂન-જુલાઈમાં આ ખર્ચ લગભગ 6,000 ડોલર હતો. યુદ્ધ પહેલાં તે 3,000થી 3,500 ડોલર વચ્ચે હતો. યુરોપમાં પણ કન્ટેનર મોકલવાનું ભાડું વધીને 8,500 ડોલર થઈ ગયું છે. પહેલાં આ ખર્ચ લગભગ 2,000 ડોલર હતો. એટલે કે વેપારીઓ માટે વિદેશમાં માલ મોકલવો ઘણો મોંઘો બન્યો છે. 

ભાડું આટલું મોંઘું કેમ થયું?

યુદ્ધ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુનીમાં જહાજોની અવરજવર અટકી હતી. ત્યારબાદ ઓગસ્ટથી જહાજોની અવરજવર ધીમે ધીમે શરૂ થઈ. હવે વધુ જહાજો આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં છે, છતાં ભાડામાં ખાસ ઘટાડો થયો નથી. તેના પાછળ અનેક કારણો છે. શિપિંગ કંપનીઓ હજુ પણ પર્શિયન ગલ્ફમાં જહાજ મોકલવામાં સાવચેતી રાખી રહી છે. કેટલાક જહાજો સીધા બંદર સુધી જવાને બદલે બીજા બંદરોનો ઉપયોગ કરે છે. તેના કારણે માલ પહોંચાડવામાં વધુ સમય અને ખર્ચ લાગે છે. આ ઉપરાંત વીમા અને યુદ્ધ સંબંધિત વધારાના ચાર્જ પણ વેપારીઓએ ચૂકવવા પડે છે.

કયા વેપારીઓને સૌથી વધુ અસર?

ભારતમાંથી ઓછા ભાવની અને મોટા જથ્થામાં નિકાસ થતી વસ્તુઓના વેપારીઓને સૌથી વધુ મુશ્કેલી પડી રહી છે. તેમાં સિરામિક ટાઇલ્સ, લાકડાનું ફર્નિચર, સિમેન્ટ, નાળિયેરના રેસામાંથી બનતી વસ્તુઓ, બિન-બાસમતી ચોખા અને અન્ય અનાજનો સમાવેશ થાય છે. નિકાસકારોનું કહેવું છે કે ભાડું વધવાથી તેમનો નફો ઘટી રહ્યો છે. કારણ કે વિદેશી ગ્રાહકોને માલ વેચ્યા પછી વધેલો પરિવહન ખર્ચ પણ વેપારીઓએ જ સહન કરવો પડે છે.

હવે ભાડું ઘટશે કે નહીં?

આગામી સમયમાં યુરોપના માર્ગે માલ મોકલવાનું ભાડું થોડું ઘટી શકે છે. અમેરિકાના માર્ગે પણ મોસમી માંગ ઓછી થતાં રાહત મળવાની શક્યતા છે. જોકે, ખાડી દેશોના માર્ગે ભાડું ઊંચું રહેવાની શક્યતા છે. જ્યાં સુધી શિપિંગ કંપનીઓ નિયમિત સેવાઓ શરૂ નહીં કરે, બંદરોની કામગીરી સામાન્ય નહીં બને અને યુદ્ધ સંબંધિત વધારાના ચાર્જ ઘટશે નહીં ત્યાં સુધી વેપારીઓને રાહત મળવી મુશ્કેલ છે.

આ પણ વાંચો: gold Price: સોનાના ભાવમાં 5 દિવસમાં 3%નો ઉછાળો, પણ અત્યારે ખરીદી કરવી કે રાહ જોવી?