પીવાનું પાણી ઉકાળવું ખાસ કરીને ત્યારે જરૂરી બની શકે છે, જ્યારે પાણી દૂષિત હોવાની શંકા હોય અથવા તેની ગુણવત્તા અંગે વિશ્વાસ ન હોય. પાણીને સારી રીતે ઉકાળવાથી તેમાં રહેલા ઘણા હાનિકારક જીવાણુઓને દૂર કરવામાં મદદ મળે છે. જોકે, જો ઘરમાં પહેલેથી જ સુરક્ષિત અને ધોરણો મુજબનું સ્વચ્છ પાણી મળતું હોય, તો દર વખતે પાણી ઉકાળવું જરૂરી નથી.

પીવાના પાણીને લઈને ઘણી વાર લોકોના મનમાં એક સવાલ રહે છે કે શું પાણી હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ? ઘણા ઘરોમાં લોકો રોજ પાણી ઉકાળે છે, જ્યારે કેટલાક લોકો સીધું નળનું અથવા ફિલ્ટરનું પાણી પીવે છે. હકીકત એ છે કે દરેક પરિસ્થિતિમાં પાણી ઉકાળવું જરૂરી નથી. તેની જરૂરિયાત પાણીની ગુણવત્તા અને તે દૂષિત થવાનું જોખમ કેટલું છે તેના પર આધાર રાખે છે. જો તમને પાણી સુરક્ષિત હોવાનો વિશ્વાસ ન હોય, તો તેને ઉકાળીને પીવું એક સરળ રીત બની શકે છે. ખાસ કરીને પાણીની સપ્લાયમાં કોઈ સમસ્યા થઈ હોય, પૂર અથવા પાણી ભરાયા પછી પાણી દૂષિત થવાનો ભય હોય અથવા કોઈ કારણસર પીવાના પાણીમાં ગંદકી ભળી જવાની આશંકા હોય, ત્યારે સાવચેતી રાખવી જરૂરી છે.

પાણી ઉકાળવાથી શું ફાયદો થાય છે?

પાણીને સારી રીતે ઉકાળવાથી તેમાં રહેલા ઘણા પ્રકારના હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને પરજીવીઓને દૂર કરવામાં મદદ મળે છે. આ કારણે શંકાસ્પદ અથવા દૂષિત પાણીને સુરક્ષિત બનાવવા માટે ઉકાળવું એક ભરોસાપાત્ર રીત માનવામાં આવે છે. પાણી ઉકાળતી વખતે માત્ર તેને હૂંફાળું કરવું પૂરતું નથી. પાણીમાં સારી રીતે ઉકળાટ આવવો જોઈએ. ઉકળાટ આવ્યા પછી તેને ઓછામાં ઓછું 1 મિનિટ સુધી ઉકાળવું સામાન્ય રીતે પૂરતું માનવામાં આવે છે. ત્યાર બાદ પાણીને સાફ અને ઢાંકેલા વાસણમાં ઠંડું કરીને રાખવું જોઈએ, જેથી તેમાં ફરીથી ગંદકી કે જીવાણુઓ ન ભળે.

દર વખતે પાણી ઉકાળવું જરૂરી નથી

જો તમારા ઘરમાં જો એવા સપ્લાયમાંથી પાણી આવે છે જેને સુરક્ષિત માનવામાં આવે છે અને પાણીની ગુણવત્તાની નિયમિત તપાસ કરવામાં આવે છે, તો દર વખતે તેને ઉકાળવું જરૂરી નથી. એ જ રીતે, યોગ્ય રીતે કામ કરતું પાણીનું ફિલ્ટર પણ પાણીની ગુણવત્તા સુધારવામાં મદદ કરી શકે છે, પરંતુ દરેક ફિલ્ટર દરેક પ્રકારના પ્રદૂષકોને દૂર કરી શકતું નથી. એ પણ ધ્યાનમાં રાખો કે પાણી ઉકાળવાથી તેમાં રહેલી માટી, ઘણા પ્રકારના રસાયણો, ભારે ધાતુઓ અથવા વધારાનું મીઠું જેવી વસ્તુઓ જરૂરી નથી કે દૂર થઈ જાય. તેથી જો પાણીમાં રાસાયણિક પ્રદૂષણની શંકા હોય, તો માત્ર પાણી ઉકાળવું પૂરતું નથી એ સિવાયના પણ ઉપાયો કરવા જરૂરી છે.