અમદાવાદની બુલિયન બજારમાં આજે ચાંદીમાં રૂ.1,500નો વધારો થયો હતો. તેની બીજી તરફ સોનામાં રૂ.400નો ઘટાડો થયો હતો. બંને કિંમતી ધાતુમાં વિપરિત કહી શકાય તેવી ચડઉતર જોવા મળી હતી.

અમદાવાદમાં આજે ચાંદી ચોરસાનો ભાવ રૂ.1,15,000 રહ્યો હતો. જે ગઈકાલના ભાવની સરખામણી રૂ.1,500નો વધારો સૂચવે છે. જ્યારે 999 સોનાનો ભાવ રૂ.1,02,400 રહ્યો હતો. જે રૂ.400નો ઘટાડો સૂચવે છે. 995 સોનાનો ભાવ રૂ.1,02,100 અને હોલમાર્ક દાગીનાનો ભાવ રૂ.1,00,350 રહ્યો હતો. કોમેક્સ બજારમાં આજે એક ઔંસ સોનાનો ભાવ 3,332 ડોેલર રહ્યો હતો. જ્યારે ચાંદી 38.04 સેન્ટ રહી હતી. બંને કિંમતી ધાતુના ભાવમાં રોજ નાની-મોટી વધઘટ થયા કરે છે. તેમ છતાં બંનેના ભાવ હજુ પણ એક લાખની ઉપર જ રહે છે. તેના કારણે મધ્યમવર્ગની પહોંચ બહાર બંને ધાતુ રહી છે. લોકો પણ ભાવ ઘટે તેવી આશા રાખી રહ્યા છે. દિવાળી પછી લગ્ન સિઝન ખૂલે તે પહેલા સોના અને ચાંદીના ભાવમાં કેવી વધઘટ થાય છે તેના પર લોકોની નજર મંડાયેલી છે.