છેલ્લા થોડા સમયથી સોના-ચાંદીના ભાવમાં સતત ઉતાર-ચડાવ જોવા મળી રહ્યા છે. બુધવારે જ્યાં તેજી હતી ત્યાં ગુરુવારે મોટો કડાકો નોંધાયો છે. ચાંદીનો ભાવ જોત જોતામાં ક્રેશ થઈ ગયો. MCX પર ચાંદી 2 ટકાથી વધુ એટલે કે પ્રતિ કિલોએ 4000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે. બીજી તરફ સોનાના ભાવમાં પણ કડાકો નોંધાયો છે. MCX Gold Rate લગભગ 1000 રૂપિયા ઘટી ગયો છે.
ચાંદીના ભાવમાં મોટો કડાકો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 5 માર્ચની એક્સપાયરી વાળી ચાંદીના વાયદાના ભાવ તેના પાછલા બંધ કરતા નીચા ખુલ્યા અને બપોરે 2.30 વાગ્યે ચાંદીનો ભાવ 4,223 રૂપિયા અથવા 2.23% ઘટીને 1,78,129 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તો સ્થાનિક બજારમાં ચાંદી 2477 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ ગઈ છે.
સોનાના ભાવમાં પણ જોવા મળ્યો ઘટાડો
ચાંદીની સાથે સાથે જો સોનાના ભાવની વાત કરીએ તો તેમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 5 માર્ચની એક્સપાયરી વાળા સોનાના વાયદાના ભાવમાં 835 રૂપિયાના ઘટાડા સાથે 1,29,627 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. જો સ્થાનિક બજારની વાત કરવામાં આવે તો અહીં 24 કેરેટ સોનું બુધવારે પ્રતિ 10 ગ્રામે 1,28,214 પર બંધ થયું હતું. જેની ગુરુવારે ઓપનિંગ પ્રાઈસ 1,27,755 રૂપિયા એટલે કે એક જ ઝટકામાં સોનું 459 રૂપિયા પ્રતિ 10 ગ્રામે સસ્તુ થયું.
કેમ સોના-ચાંદીના ભાવમાં નોંધાયો કડાકો?
સોના-ચાંદીના ભાવમાં આવેલા કડાકા પાછળના કારણોની જો વાત કરીએ તો છેલ્લા થોડા સમયથી ટ્રેડર્સે જોરદાર પ્રોફિટ બુકિંગ કર્યું છે, જેના કારણે ઈન્ટરનેશનલ માર્કેટથી લઈને સ્થાનિક બજારોમાં સોના-ચાંદીની કિંમતોમાં ઘટોડા નોંધાયો છે. આ ઉપરાંત છેલ્લા થોડા સમયથી ભારત-અમેરિકા ટ્રેડ ડીલને લઈ આવેલી પોઝીટીવ અપડેટ્સને કારણે લોકોના સુરક્ષિત રોકાણ તરફના ઝુકાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે લગ્નસરાની આ સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં ઘટોડા થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.