છેલ્લા કેટલાક દિવસોમાં ચાંદીના ભાવોએ રોકાણકારો અને બજાર પર નજર રાખનારાઓને ચોંકાવી દીધા છે. અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે ચાંદીના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ નવી ઊંચાઈએ પહોંચતાં જ તેમાં તીવ્ર ઘટાડો પણ નોંધાયો. ચાલો જાણીએ MCX અને સ્થાનિક બજારમાં ચાંદી તથા સોનાના ભાવોની સંપૂર્ણ સ્થિતિ વિશે.

MCX પર ચાંદીનો અચાનક ઉતાર-ચઢાવ

ગયા શુક્રવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ચાંદી 1,97,705 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે ખુલ્લી હતી. ટ્રેડિંગ શરૂ થતા જ તેમાં તેજી જોવા મળી અને થોડા જ સમયમાં ચાંદીનો ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર કરી ગયો. ટ્રેડિંગ દરમિયાન ચાંદી 2,01,615 રૂપિયા પ્રતિ કિલોના નવા સર્વોચ્ચ સ્તરને સ્પર્શી ગઈ. પરંતુ આ ઊંચી સપાટીએ પહોંચ્યા બાદ ચાંદીના ભાવમાં અચાનક ભારે વેચવાલી જોવા મળી અને ભાવ તૂટીને સીધા 11,538 રૂપિયા ઘટીને 1,90,077 રૂપિયા પ્રતિ કિલો સુધી આવી ગયા. બજાર બંધ થતી વેળાએ થોડું સુધારું આવ્યું અને ચાંદી 1,92,615 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ, પરંતુ તેમ છતાં તે તેની ટોચથી આશરે 9,000 રૂપિયા સસ્તી રહી.

ડિસેમ્બરમાં ચાંદી કેટલી ચમકી?

આ મહિને અત્યાર સુધી ચાંદીના ભાવમાં કુલ મળીને મજબૂત વધારો જોવા મળ્યો છે. 1 ડિસેમ્બરે MCX પર ચાંદીનો ભાવ 1,82,030 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. ગયા શુક્રવારના બંધ ભાવની તુલનામાં જોવામાં આવે તો ચાંદી લગભગ 10,585 રૂપિયા મોંઘી થઈ છે. એટલે કે,ભલે દિવસ દરમિયાન ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હોય, પરંતુ સમગ્ર મહિને ચાંદીનો ટ્રેન્ડ તેજીનો રહ્યો છે.

સ્થાનિક બજારમાં ચાંદીની મજબૂતી

MCX સિવાય સ્થાનિક બજારમાં ચાંદીની ચમક વધુ મજબૂત દેખાઈ રહી છે. ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 5 ડિસેમ્બરે સ્થાનિક બજારમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,78,210 રૂપિયા હતો. ગયા શુક્રવારે બજાર બંધ થતા આ ભાવ વધીને 1,95,180 રૂપિયા પ્રતિ કિલો થયો. એટલે કે માત્ર પાંચ ટ્રેડિંગ દિવસોમાં ચાંદી લગભગ 16,970 રૂપિયા મોંઘી થઈ છે, જે સ્થાનિક બજારમાં મજબૂત માંગ દર્શાવે છે.

સોનાના ભાવમાં સાપ્તાહિક વધારો

ચાંદી સાથે સાથે સોનાના ભાવમાં પણ વધારો નોંધાયો છે. IBJA મુજબ, 5 ડિસેમ્બરે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 1,28,592 રૂપિયા હતો, જે ગયા અઠવાડિયાના અંતે વધીને 1,32,710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. એટલે કે એક અઠવાડિયામાં સોનાનો ભાવ 4,118 રૂપિયા વધ્યો છે. MCX પર જો સોનાના વાયદાના ભાવની વાત કરીએ તો, પાંચ દિવસમાં સોનાનો ભાવ આશરે 3,160 રૂપિયા મોંઘો થયો છે, જે રોકાણકારોમાં સુરક્ષિત રોકાણ તરીકે સોનાની માંગ બતાવે છે.

ગ્રાહકો માટે મહત્વની નોંધ

સ્થાનિક બજારમાં સોના અને ચાંદી ખરીદતી વખતે ગ્રાહકોને મૂળ ભાવ ઉપરાંત 3% GST ચૂકવવો પડે છે. ઉપરાંત, દાગીનાં ખરીદતી વખતે મેકિંગ ચાર્જ પણ વસૂલવામાં આવે છે, જે શહેર અને રાજ્ય અનુસાર અલગ અલગ હોઈ શકે છે. આ કારણે દાગીનાની અંતિમ કિંમતમાં નોંધપાત્ર વધારો થાય છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today: 14 ડિસેમ્બરે બદલાયા પેટ્રોલ ડીઝલના ભાવ, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ