ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ઘણા લોકો SIP એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરે છે. આ લાંબા ગાળાનું રોકાણ છે અને તેને શરૂ કરવું પણ સરળ છે. પૈસા એકઠા કરવાની આ એક સરળ રીત માનવામાં આવે છે.
SIPમાં રોકાણકાર દર મહિને એક નિશ્ચિત રકમ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. તેના કારણે દર મહિને અલગથી રોકાણ કરવાનો નિર્ણય લેવાની જરૂર પડતી નથી.
નોકરી કરતા લોકો માટે SIP શરૂ કરવી સરળ હોય છે. દર મહિને નક્કી કરેલી તારીખે બેંક ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જાય છે. ઘણા લોકો પગાર આવવાની તારીખની આસપાસ SIPની તારીખ રાખે છે, જેથી પહેલા રોકાણ થઈ જાય અને ત્યારબાદ બાકીના ખર્ચ કરી શકાય.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમારી નોકરી અથવા આવક બંધ થઈ જાય તો શું થશે?
આવક બંધ થઈ જાય તો રોકાણ કેવી રીતે કરવું?
માની લો કે તમારી નોકરી જતી રહે, કરિયરમાં થોડો વિરામ લેવો પડે અથવા થોડા સમય માટે પૈસાની અછત સર્જાય. આવી સ્થિતિમાં દર મહિને SIPની રકમ જમા કરાવવી મુશ્કેલ બની શકે છે.
આવા સમયે એ જ રકમની SIP ચાલુ રાખવી જરૂરી નથી. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે SIP પોતે કોઈ અલગ રોકાણ પ્રોડક્ટ નથી, પરંતુ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાની એક રીત છે.
જો કોઈ મહિને તમે SIPની હપ્તાની રકમ ચૂકવી ન શકો તો અગાઉ રોકાણ કરેલા પૈસા ખતમ થતા નથી. તમારું પહેલેથી રોકાણ કરેલું નાણું મ્યુચ્યુઅલ ફંડમાં જ રોકાયેલું રહે છે.
કેટલા સમય સુધી SIPનો હપ્તો ચૂકવ્યા વગર રહી શકાય?
ભારતમાં મોટાભાગની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ સામાન્ય રીતે સતત આશરે 3 મહિના સુધી SIPનો હપ્તો ન ભરાય તો SIP બંધ કરી દે છે.
સામાન્ય રીતે તેના માટે અલગથી દંડ લેવામાં આવતો નથી. એટલે જો થોડા સમય માટે તમારા બેંક ખાતામાં પૂરતા પૈસા ન હોય અને SIPનો હપ્તો કપાઈ ન શકે, તો નક્કી સમય બાદ SIP બંધ થઈ શકે છે.
SIP બંધ થાય તો રોકાણ પણ બંધ થઈ જશે?
જો કોઈ કારણસર તમારી SIP બંધ થઈ જાય તો તેનો અર્થ એ નથી કે તમે અગાઉ રોકાણ કરેલા પૈસા પણ બહાર નીકળી જશે.
અત્યાર સુધી તમે મ્યુચ્યુઅલ ફંડમાં જેટલી રકમ રોકી છે, તે ફંડમાં જ રોકાયેલી રહેશે. ફંડના પ્રદર્શન પ્રમાણે તેની કિંમત વધી કે ઘટી શકે છે.
જો ભવિષ્યમાં તમે ફરી દર મહિને રોકાણ શરૂ કરવા માંગતા હો, તો નવી SIP શરૂ કરવાની જરૂર પડી શકે છે. આ રીતે તમારું જૂનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં જ રહેશે, જ્યારે આગળના નિયમિત રોકાણ માટે નવી SIP શરૂ કરી શકાય છે.
નોંધ: SIP સંબંધિત નિયમો ફંડ હાઉસ અને બેંકના નિયમો પ્રમાણે અલગ હોઈ શકે છે, તેથી વાસ્તવિક રોકાણ પહેલાં તમારા SIPના ચોક્કસ નિયમો તપાસવા યોગ્ય છે.