મંગળવારે ભારતીય શેરબજારો ઘટાડા સાથે બંધ થયા. મધ્ય પૂર્વમાં તણાવ વધવાની આશંકા વચ્ચે બેંકિંગ, રિયલ્ટી અને તેલ અને ગેસ શેરો પર દબાણ ચાલુ રહેતાં, બેન્ચમાર્ક સૂચકાંકો - BSE સેન્સેક્સ અને નિફ્ટી 50 - એ પાછલા સત્રમાં થયેલા ફાયદાને ભૂંસી નાખ્યા.

શેરબજારમાં ઘટાડો 

બપોરે 12:00 વાગ્યા સુધીમાં, નિફ્ટી 50 23,898.95 પર ટ્રેડ કરી રહ્યો હતો, જે લગભગ 0.91 ટકા - અથવા 220.35 પોઈન્ટ ઘટીને હતો. દરમિયાન, સેન્સેક્સ 76,577.07 ના સ્તરે ટ્રેડ કરતો જોવા મળ્યો, જેમાં 701.98 પોઈન્ટ અથવા 0.98 ટકાનો ઘટાડો નોંધાયો. બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા. સેન્સેક્સ 251.61 પોઇન્ટના ઘટાડા સાથે 77,017.79 અંકે બંધ થયો જ્યારે 68.10 પોઇન્ટના ઘટાડા સાથે નિફ્ટી 24,051.20 અંકે બંધ થયો. 

સેન્સેક્સના ઘટકોમાં, સૌથી તીવ્ર ઘટાડો એટરનલ, ICICI બેંક, HDFC બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના શેરમાં જોવા મળ્યો. વ્યાપક બજારમાં, નિફ્ટી મિડકેપ અને નિફ્ટી સ્મોલકેપ સૂચકાંકો અનુક્રમે 0.34 ટકા અને 0.04 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. ક્ષેત્રીય સૂચકાંકોની દ્રષ્ટિએ, નિફ્ટી બેંક, નિફ્ટી પીએસયુ બેંક, નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો, જ્યારે નિફ્ટી આઇટી સૂચકાંકમાં સૌથી ઓછી નબળાઈ જોવા મળી હતી.


વૈશ્વિક તણાવની શું છે અસર ? 

આંતરરાષ્ટ્રીય મંચ પર અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ વધ્યો છે. અહેવાલો અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ નજીક બંને દેશો વચ્ચે સંઘર્ષ જેવી પરિસ્થિતિ ચાલુ છે. તાજેતરના દિવસોમાં, આ પ્રદેશમાંથી ગોળીબાર અને ડ્રોન હુમલાના અહેવાલો સામે આવ્યા છે, જે પરિસ્થિતિને વધુ વણસી રહ્યા છે.

ઈરાન પર યુએઈ સામે મિસાઈલ અને ડ્રોન હુમલા કરવાનો તેમજ દક્ષિણ કોરિયાના કાર્ગો જહાજને નિશાન બનાવવાનો આરોપ છે. આ ઘટનાઓએ વૈશ્વિક સપ્લાય ચેઈન અને ઉર્જા બજારો અંગે ચિંતા વધારી છે.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા જહાજોની સલામતી સુનિશ્ચિત કરશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે જો ઈરાન અમેરિકન જહાજોને નિશાન બનાવશે, તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે.