ભારતીય શેરબજારમાં જે ડર હતો તેજ થયું. કારોબારી સપ્તાહના ચોથા દિવસે શેરબજાર ખૂલતાની સાથે જ ક્રેશ થયુ. તેવી જ રીતે શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. સેન્સેક્સ 825 પોઇન્ટના ઘટાડા સાથે 77,664 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 219.60 પોઇન્ટના ઘટાડા સાથે 24,158.50 અંકે બંધ થયો. 

 શેરબજારમાં ઘટાડો કેમ ? 

ગુરુવારે (23 એપ્રિલ) મિશ્ર વૈશ્વિક વલણો વચ્ચે ભારતીય શેરબજાર લગભગ 1  ટકાના ઘટાડા સાથે ખુલ્યા. હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપોના સમાચારથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી હતી, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. ICICI બેંક, HDFC બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીથી પણ બજાર નીચે આવી ગયું.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે 7 એપ્રિલે જાહેર કરાયેલ યુદ્ધવિરામ ઈરાન સંયુક્ત પ્રસ્તાવ રજૂ ન કરે ત્યાં સુધી અમલમાં રહેશે. જોકે, ઈરાને સ્પષ્ટતા કરી હતી કે તે કોઈપણ વાટાઘાટોમાં ભાગ લઈ રહ્યું નથી. દરમિયાન, બંને દેશોએ એકબીજા પર દબાણ લાવવા માટે હોર્મુઝ સ્ટ્રેટમાં દરિયાઈ ટ્રાફિકને અવરોધ્યો છે, જેનાથી રોકાણકારોમાં ફુગાવા અને આર્થિક વૃદ્ધિ અંગે ચિંતા વધી છે.