સોમવારે ભારતીય શેરબજાર મજબૂત વધારા સાથે ખુલ્યા. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાની આશા અને સકારાત્મક સ્થાનિક પરિણામોએ સેન્ટિમેન્ટને વેગ આપ્યો. વ્યાપક ખરીદીને કારણે બેન્ચમાર્ક સૂચકાંકો 1% થી વધુ વધ્યા.

શેરબજારમાં તોફાની તેજી 

બપોરે 3.30 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને જબરદસ્ત તેજી સાથે બંધ થયા. સેન્સેક્સ 1,233.25 પોઇન્ટના વધારા સાથે 75,692.78 અંકે પહોંચ્યો જ્યારે નિફ્ટી 387.70 પોઇન્ટના ઉછાળા સાથે 

23,440.80 અંકે પહોંચ્યો.

શેરબજારમાં તેજી પાછળ રિલાયન્સ એક કારણ છે. આજે કંપનીના શેરમાં છેલ્લા 6 વર્ષમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો. આ ઉપરાંત, ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાને કારણે સ્થાનિક બજારમાં પણ તેજી જોવા મળી. તમને જણાવી દઈએ કે, આજે એકલા રિલાયન્સના શેરમાં 11 ટકાનો વધારો નોંધાયો છે. ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI, NTPCના શેરમાં પણ વધારો જોવા મળ્યો છે. બીજી તરફ, ICICI બેંક, સન ફાર્મા, એક્સિસ બેંકના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે.  

RIL માં જોરદાર ઉછાળો, માર્કેટ કેપ ₹17 લાખ કરોડને વટાવી ગઈ

શેરબજાર લાઈવ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં મજબૂત તેજી ચાલુ છે. ટ્રેડિંગ દરમિયાન, શેર દિવસના ઉચ્ચતમ સ્તર ₹1,265 પર પહોંચી ગયો. આ ઉછાળાને કારણે કંપનીનું માર્કેટ કેપ ₹17 લાખ કરોડને વટાવી ગયું છે. આજના ટ્રેડિંગમાં જ રિલાયન્સની બજાર કિંમતમાં આશરે ₹1.26 લાખ કરોડનો વધારો થયો છે.