એશિયન બજારોમાં ભારે ઘટાડા વચ્ચે, ભારતીય શેરબજાર સોમવારે (2 માર્ચ) અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ સત્રમાં મોટા ઘટાડા સાથે ખુલ્યું. L&T, રિલાયન્સ અને HDFC બેંક જેવા હેવીવેઇટ શેરોમાં વેચવાલીથી બજાર નીચે તરફ ધકેલાઈ ગયું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવને કારણે બજારમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.

શેરબજાર લાલ નિશાનમાં બંધ 

અમેરિકા અને ઇઝરાયલ દ્વારા સંયુક્ત લશ્કરી કાર્યવાહીમાં ઈરાનના ટોચના નેતા આયાતુલ્લાહ અલી ખામેની અને ઘણા વરિષ્ઠ અધિકારીઓ માર્યા ગયા હતા. પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આનાથી બજારમાં ચિંતા વધી ગઈ છે.

એક હજાર પોઇન્ટનો કડાકો

ભારતીય શેરબજાર પર યુદ્ધની અસર જોવા મળી રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ થયા છે. સેન્સેક્સ 1048 પોઇન્ટના ઘટાડા સાથે 80,193 અંકે બંધ થયો છે જ્યારે નિફ્ટી 312.05 પોઇન્ટના ઘટાડા સાથે 24,850.60 અંકે બંધ થયો છે. 

29 શેરમાં ઘટાડો

BSE ના ટોચના 30 શેરોમાંથી 29 શેરોમાં ભારે ઘટાડો થયો, જેમાં ફક્ત BEL ના શેરમાં 1 ટકાનો ઉછાળો આવ્યો. ઇન્ડિગોના શેર લગભગ 5 ટકા, L&T ના શેર લગભગ 4 ટકા, અદાણી પોર્ટ્સ ના શેર 3 ટકા અને એટરનલ ના શેર 2 ટકા ઘટ્યા.

રોકાણકારોને ₹6 લાખ કરોડનું નુકસાન

શેરબજારમાં તીવ્ર ઘટાડાને કારણે આજે રોકાણકારોને ભારે નુકસાન થયું. BSE માર્કેટ કેપમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. BSE માર્કેટ કેપ, જે શુક્રવારે ₹463.50 લાખ કરોડ હતું, તે સોમવારે લગભગ ₹457.50 લાખ કરોડ થયું. આ રોકાણકારોના મૂલ્યાંકનમાં ₹6 લાખ કરોડનું નુકસાન દર્શાવે છે.

વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ?

સોમવારે સવારે એશિયાના શેરબજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ અનુક્રમે 2.7 ટકા અને 2.43 ટકા ઘટ્યો.

રવિવારે યુએસ શેરબજાર ફ્યુચર્સ 1 ટકાથી વધુ ઘટ્યા. અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યા પછી આ ઘટાડો આવ્યો. S&P 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ બંને 1.11 ટકા ઘટ્યા હતા. એશિયન ટ્રેડિંગ દરમિયાન ડાઉ જોન્સ અને S&P 500 ફ્યુચર્સ પણ અનુક્રમે 0.6 ટકા અને 0.54 ટકા નીચે ટ્રેડ કરી રહ્યા હતા.

કોમોડિટી માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. સપ્લાય-સાઇડ ક્ષેત્રમાં વધતા તણાવને કારણે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 13.76 ટકા વધીને $82.37 પ્રતિ બેરલ થયા છે. બ્લૂમબર્ગના ડેટા અનુસાર, જાન્યુઆરી 2025 પછી આ સૌથી વધુ સ્તર છે.


Gold Silver Price Today : સોના ચાંદીના ભાવમાં ભડકો, જાણો 22 અને 24 કેરેટનો લેટેસ્ટ રેટ