એશિયન બજારોમાં જોરદાર તેજી વચ્ચે, ભારતીય શેરબજાર બુધવારે (8 એપ્રિલ) જોરદાર તેજી સાથે ખુલ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાતથી વૈશ્વિક શેરબજારોમાં તેજી જોવા મળી, જેની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી. ક્રૂડ ઓઈલના ભાવમાં નોંધપાત્ર ઘટાડાનો રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પણ સકારાત્મક પ્રભાવ પડ્યો. વધુમાં, HDFC બેંક, ICICI બેંક, L&T અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ્સના શેરમાં થયેલા વધારાથી બજારને ટેકો મળી રહ્યો છે.

શેરબજારમાં તેજી 

બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ 2947 પોઇન્ટના વધારા સાથે 77,562.90 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 23997.35 પોઇન્ટના વધારા સાથે 873.70 અંકે બંધ થયો. 

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ

પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો હતો કે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે તાત્કાલિક અમલમાં મુકાનારા યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ છે - જેમાં તેમના સંબંધિત સાથી દેશોનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે આ કરાર લેબનોન સહિત અનેક પ્રદેશોમાં લાગુ થશે. અહેવાલો અનુસાર, ઇઝરાયલે પણ આ યુદ્ધવિરામ પર પોતાની સંમતિ વ્યક્ત કરી છે; જોકે, આ અહેવાલ લખાય ત્યાં સુધી, ઇઝરાયલ દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી.

વ્યાજ દર 5.25 % પર સ્થિર 

ભારતીય રિઝર્વ બેંક (RBI) ની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ બુધવારે (૮ એપ્રિલ) ના રોજ નાણાકીય નીતિ અંગેના નિર્ણયની જાહેરાત કરી. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે સમિતિએ સર્વાનુમતે મુખ્ય નીતિ દર - રેપો રેટ - 5.25 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. મધ્ય પૂર્વમાં સંઘર્ષની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, સમિતિએ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (SDF) દર પણ 5 ટકા પર જાળવી રાખ્યો.


આ પણ વાંચો: Stock Market Opening: ટ્રમ્પના સીઝ ફાયરની જાહેરાતથી શેરબજારમાં તેજી, સેન્સેક્સ 2637 પોઇન્ટ ઉછળ્યો