ભારતીય શેરબજારના રોકાણકારો માટે આ સપ્તાહના અંતે લાંબો વિરામ આવી રહ્યો છે. આજે, 3 એપ્રિલ 2026 ના રોજ 'ગુડ ફ્રાઈડે' નિમિત્તે દેશના મુખ્ય સ્ટોક એક્સચેન્જો, BSE અને NSE પર કોઈ પણ પ્રકારનું કામકાજ થશે નહીં. શુક્રવારની રજા બાદ શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજા હોવાથી બજાર સતત ત્રણ દિવસ સુધી શાંત રહેશે.

તમામ સેગમેન્ટમાં ટ્રેડિંગ સ્થગિત

આજે માત્ર ઈક્વિટી માર્કેટ જ નહીં, પરંતુ ડેરિવેટિવ્ઝ, કરન્સી માર્કેટ અને વ્યાજ દર ડેરિવેટિવ્ઝ સહિતના તમામ વિભાગોમાં ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ રહેશે. કોમોડિટી માર્કેટની વાત કરીએ તો, MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર પણ સવાર અને સાંજ એમ બંને સત્રોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવે બજાર સોમવારે સવારે નિયમિત સમયે ફરી ખુલશે.

રોકાણકારોને મળશે રાહત

છેલ્લા કેટલાક દિવસોથી ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા રાજકીય તણાવને કારણે શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. આવી અસ્થિરતા વચ્ચે ત્રણ દિવસનો આ વિરામ રોકાણકારો અને ટ્રેડર્સને તેમની વ્યૂહરચના ફરીથી વિચારવા અને માનસિક રાહત મેળવવાની તક આપશે.

વર્ષ 2026ની બાકી રહેલી મુખ્ય રજાઓ

વર્ષ ૨૦૨૬ દરમિયાન શેરબજારમાં હજુ પણ અનેક તહેવારો અને મહત્વના દિવસોએ રજા રહેશે. જેની યાદી નીચે મુજબ છે:

તારીખ દિવસ પ્રસંગ
14 એપ્રિલ મંગળવાર   ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિ
01 મે શુક્રવાર મહારાષ્ટ્ર દિવસ
28 મે ગુરુવાર બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા)
26 જૂન શુક્રવાર મોહરમ
14 સપ્ટેમ્બર સોમવાર ગણેશ ચતુર્થી
02 ઓક્ટોબર શુક્રવાર મહાત્મા ગાંધી જયંતિ
20 ઓક્ટોબર મંગળવાર દશેરા
10 નવેમ્બર મંગળવાર દિવાળી (બલિપ્રતિપદા)
24 નવેમ્બર મંગળવાર ગુરુ નાનક જયંતિ
25 ડિસેમ્બર શુક્રવાર નાતાલ (ક્રિસમસ)

આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?