બુધવારે શરૂઆતના કારોબારમાં ભારતીય શેરબજાર વધારા સાથે ખુલ્યા. આવતીકાલે દશેરા પહેલા શેરબજારમાં આજે તેજીનું વલણ. આજે સેન્સેકસ અને નિફ્ટીની તેજી સાથે શરૂઆત થઈ. BSE સેન્સેક્સ +35.52 (0.044%)ના વધારા સાથે 80,303.13ના સ્તરે ખૂલ્યો. અને આ જ સમયે નિફ્ટી +30.70 (0.12%) પોઈન્ટના વધારા સાથે 24,642.80ના સ્તરે ખૂલ્યો. બજાર ખૂલ્યાના થોડા જ સમયમાં સેન્સેક્સમાં જબરજસ્ત +187.54 પોઈન્ટનો ઉછાળો થયો.
બજારની બુધવારે શુભ શરૂઆત
આરબીઆઈની નાણાકીય નીતિની જાહેરાત પહેલા શેરબજારમાં હરિયાળી જોવા મળી રહી છે. આજે શેરબજાર વધારા સાથે ખૂલ્યું. બજારના આરંભે આજે સેન્સેક્સ અને નિફ્ટીની સારી શરૂઆત થઈ. દશેરાના અગાઉના દિવસે બજારની સારી શરૂઆતથી રોકાણકારોમાં ખુશીનો માહોલ. આજે બુધવારે શરૂઆતના કારોબારમાં, એનએસઈ પર 2,492 શેરો ટ્રેડ થઈ રહ્યા છે, જેમાંથી 1,660 લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. મહત્વનું છે કે દશેરાના દિવસે અનેક શુભ કાર્યો થતા હોય છે. લોકો આ દિવસે મિલકતના સોદાઓ તેમજ સારી વસ્તુની ખરીદી કરતા હોય છે. તેવામાં શેરબજારમાં બુધવારના દિવસે તેજીની શરૂઆત રોકાણકારો માટે એક આશાનું કિરણ લઈને આવી છે.
શેરબજાર ગઈકાલે ઘટાડા સાથે બંધ
ગઈકાલે સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 115 પોઈન્ટ વધીને 80,480 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી 50 પણ 36 પોઈન્ટ વધીને 24,671 પર ખૂલ્યો હતો. BSE પર, ટાઇટન, BEL અને પાવર ગ્રીડ સૌથી વધુ વધ્યા હતા. જ્યારે વોલ સ્ટ્રીટના મુખ્ય સૂચકાંકો ઊંચા સ્તરે બંધ થયા હતા. ગતરોજ વધારા સાથે શેરબજાર ખૂલ્યા બાદ દિવસ દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું હતું. અને શેરબજાર ઘટાડા સાથે બંધ થયું હતું. નિફ્ટીમાં 23.80 પોઈન્ટનો ઘટાડો અને તે જ સમયે, સેન્સેક્સમાં 97.32 પોઈન્ટના ઘટાડા થતા 80,267.62 પોઈન્ટ પર બંધ થયું હતું.