સ્થાનિક શેરબજારોમાં ટ્રેડિંગ સપ્તાહની મજબૂત શરૂઆત જોવા મળી.  કારણ કે 'ગિફ્ટ નિફ્ટી' (GIFT Nifty) લગભગ 180 પોઈન્ટના વધારા સાથે 23300 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. કાચા તેલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.  શરૂઆતી કારોબારમાં બ્રેન્ટ ક્રૂડ 2% થી વધુ ઘટીને 111 ડોલર પ્રતિ બેરલની નીચે આવી ગયું છે.

શેરબજારમાં તેજી 

એક નિષ્ણાંતના જણાવ્યા મુજબ ભારતીય શેરબજારમાં તાજેતરમાં જોવા મળેલી રિકવરી (સુધારો) આગળ પણ ચાલુ રહી શકે છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને ઘટાડવા માટે ફરી શરૂ થયેલા રાજદ્વારી પ્રયાસોને કારણે રોકાણકારોમાં રાહતની આશા જાગી છે.

સવારે 9.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +832.97 પોઇન્ટના ઉછાળા સાથે 75,292.50 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી 217.80 પોઇન્ટના ઉછાળા સાથે 23,270.90 અંકે ખૂલ્યો.    આ દરમિયાન, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂલ્ય) 478 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે, જેના પરિણામે રોકાણકારોને માત્ર થોડી જ મિનિટોમાં 4 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.

રિલાયન્સના શેરમાં રોકેટ જેવો ઉછાળો

શેરબજારમાં આવેલી તેજીમાં અબજોપતિ મુકેશ અંબાણીની કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ અહેવાલ લખાય છે ત્યારે, રિલાયન્સના શેર ₹1241  પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે 6.70 %નો ઉછાળો દર્શાવે છે. દેશની સૌથી મૂલ્યવાન કંપનીના શેરમાં આવેલા આ ઉછાળાને કારણે સમગ્ર બજારમાં તેજીનું વાતાવરણ સર્જાયું હતું. આ ઉછાળાના પગલે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન (બજાર મૂલ્ય) ₹16.77  લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.

બંને દેશો વચ્ચે તણાવ ઘટશે  ? 

ઈરાની અધિકારીઓ અને કતારી મધ્યસ્થીઓ વચ્ચે ચાલી રહેલી વાતચીતથી એક એવા કરારની આશા બંધાઈ છે, જેનાથી બંને દેશો વચ્ચેનો તણાવ ઓછો થઈ શકે છે. જો આ વાતચીતમાં નક્કર પ્રગતિ થાય, તો કાચા તેલના પુરવઠાને લગતી ચિંતાઓ હળવી થઈ શકે છે. પરિણામે, આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલના ભાવ પરનું દબાણ ઘટી શકે છે અને ભારતીય શેરબજારને ટૂંકા ગાળાનો ટેકો મળી શકે છે.

જોકે, કાચા તેલના ભાવ હજુ પણ ઊંચા સ્તરે છે. WTI ક્રૂડ લગભગ 102 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 110 ડોલર પ્રતિ બેરલથી ઉપર છે. તેલના ઊંચા ભાવને કારણે ઊર્જા ખર્ચમાં વધારો થયો છે અને વ્યાપક અર્થતંત્રને લઈને ચિંતાઓ હજુ પણ યથાવત છે.

નિષ્ણાંતના મતે આગામી દિવસોમાં ભારતીય શેરબજારની દિશા મુખ્યત્વે પશ્ચિમ એશિયામાં (West Asia) બની રહેલી ઘટનાઓ પર આધારિત રહેશે. રોકાણકારો અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીતમાં નક્કર પ્રગતિના સંકેતો પર નજર રાખશે. જ્યાં સુધી તણાવ ઓછો થઈ રહ્યો હોવાના સ્પષ્ટ સંકેતો ન મળે, ત્યાં સુધી બજારમાં આવેલી તાજેતરની તેજીને લાંબા ગાળાના સતત ઉર્ધ્વગામી વલણ (long-term uptrend) તરીકે ગણવી ઉતાવળ ગણાશે.

આ શેરોએ પણ નોંધપાત્ર અસર જન્માવી

માત્ર મુકેશ અંબાણીની રિલાયન્સ જ નહીં, પરંતુ અન્ય લાર્જ-કેપ કંપનીઓના શેરોએ પણ બજાર ખૂલતાની સાથે જ મજબૂત પ્રભાવ પાડ્યો હતો. આમાં ટાટા સ્ટીલ (4%), એનટીપીસી (3.40%), મારુતિ (2.80 %), બીઈએલ (2.40 %) અને એશિયન પેઇન્ટ્સ (2.10 %) જેવા શેરો નોંધપાત્ર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

આ પણ વાંચો: Sanwaliya Seth: 23 કરોડ રોકડ, 92 કિલો સોનું ચાંદી અને..સાંવરિયા શેઠ મંદિરનો ખૂલ્યો ભંડાર