પશ્ચિમ એશિયામાં શાંતિની આશા અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી આજે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી છે. આ અસર સ્થાનિક શેરબજાર પર પણ જોવા મળી રહી છે. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 1,100 પોઈન્ટથી વધુ ઉછળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 330 પોઈન્ટ ઉછળ્યો હતો. સેન્સેક્સ 1100 પોઈન્ટ અથવા 1.38% વધીને 76,568.46 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી પણ 343.90 પોઈન્ટ અથવા 1.46% વધીને 23,966.80 પર પહોંચ્યો. દરમિયાન, ડોલર સામે રૂપિયો પણ મજબૂત રીતે ખુલ્યો. તે પાછલા સત્રમાં 95.11 પર બંધ થયો હતો અને આજે 94.68 પર ખુલ્યો, જે 8 મે પછીનો તેનો ઉચ્ચતમ સ્તર છે.
સેન્સેક્સના 29 શેરમાં તેજી સાથે ખૂલ્યું
સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરો વધીને ખુલ્યા. ઇન્ડિગોના શેર ચાર ટકાથી વધુ વધ્યા. બજાજ ફાઇનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો, એટરનલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, મારુતિ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટ્રેન્ટ, એચડીએફસી બેંક અને ટાઇટનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો. બીજી તરફ, સન ફાર્મામાં ઘટાડો જોવા મળ્યો.













