અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર 25% ટેરિફ લાદવાની જાહેરાત બાદ ગુરુવારે (31 જુલાઈ) ભારતીય શેરબજાર મોટા ઘટાડા સાથે ખુલ્યા હતા. અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા અણધાર્યા 25% ટેરિફ (યુએસ ટેરિફ) ની જાહેરાત બાદ રોકાણકારોની ચિંતા વધી ગઈ છે. આ ટેરિફ શુક્રવારથી અમલમાં આવશે.
લાલ નિશાનમાં ખૂલ્યુ માર્કેટ
અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારત પર લાદેલા 25 ટકા ટેરિફની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે. સવારે 9.31 કલાકે સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાને ખૂલ્યા હતા. સેન્સેક્સ −507.82 પોઇન્ટના ઘટાડા સાથે 80,974.04 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી 139.60 પોઇન્ટના ઘટાડા સાથે 24,715.45 અંકે ખૂલ્યો
સેન્સેક્સ કંપનીઓમાં, એટરનલ, પાવર ગ્રીડ, હિન્દુસ્તાન યુનિલિવર મુખ્ય વધ્યા હતા. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.5% ઘટ્યા હતા. આ ઉપરાંત, ભારતી એરટેલ, ટાઇટન, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઇનાન્સ અને એચસીએલ ટેક ઘટાડામાં ટ્રેડ કરી રહ્યા છે.
વૈશ્વિક બજારોમાં શું છે સંકેત ?
બુધવારે સાંજે યુએસ પ્રમુખ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જે બાદ યુએસ માર્કેટમાં પણ ઘટાડો થયો હતો. ગિફ્ટ નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો. આજે બજાર ખુલતાની સાથે જ તેની અસર જોવા મળી છે. એશિયન બજારોમાં મોટાભાગના સૂચકાંકોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેરિફના અમલીકરણની અંતિમ તારીખ નજીક આવી રહી હોવાથી હોંગકોંગના હેંગ સેંગ અને ચીનના CSI 300 સૂચકાંકમાં સૌથી વધુ ઘટાડો થયો હતો.
ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદ્યો
ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા 1 ઓગસ્ટથી ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લાદશે. આ સાથે તેમણે રશિયા પાસેથી ઇંધણ ખરીદી પર 'દંડ' લાદવાની પણ વાત કરી છે. એપ્રિલમાં ટ્રમ્પે ભારત પર 26% જવાબી ટેરિફની જાહેરાત કરી હતી. હાલમાં મોસ્ટ ફેવર્ડ નેશન ટેરિફ ઉપરાંત ભારતથી અમેરિકામાં થતી નિકાસ પર 10% ની મૂળભૂત ટેરિફ લાદવામાં આવી રહી છે.
વધુ અપડેટ માટે જુઓ..
https://www.bajajbroking.in/indices?utm_source=sandesh&utm_medium=partnership&utm_campaign=indices









