મંગળવારે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક તણાવ અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સ 0.5% કરતાં વધુ તૂટ્યા હતા. બજાર ખુલતાની પ્રથમ મિનિટમાં જ રોકાણકારોના અંદાજે ₹3.75 લાખ કરોડ ડૂબી ગયા હતા.

શેરબજારે રોકાણકારોને રડાવ્યા 

બજારની શરૂઆતમાં સેન્સેક્સ 452 પોઈન્ટ ઘટીને 73,815.12 પર અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 153 પોઈન્ટના ઘટાડા સાથે 23,229 પર આવી ગયો હતો. બજારમાં ઉતાર-ચઢાવ માપતો ઇન્ડિયા VIX પણ 2.5% ઘટીને 16.13 ના સ્તરે નોંધાયો હતો. આ ઘટાડાને કારણે વૈશ્વિક માર્કેટ કેપ રેન્કિંગમાં ભારત હવે લપસીને 7મા સ્થાને પહોંચી ગયું છે, જ્યારે દક્ષિણ કોરિયાનું 'કોસ્પી' માર્કેટ ભારતને પાછળ છોડીને 6ઠ્ઠા સ્થાને આવી ગયું છે. અગાઉ તાઈવાને પણ ભારતને પાછળ છોડ્યું હતું.

 ITમાં તેજી, ફાઇનાન્સ-પાવર શેરો તૂટ્યા

બજારમાં સૌથી વધુ માર બજાજ ફાઇનાન્સને પડ્યો હતો, જેનો શેર 3% જેટલો ગગડ્યો હતો. આ સિવાય બેલ (BEL), બજાજ ફિનસર્વ, ટ્રેન્ટ, NTPC, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને L&Tના શેરોમાં 1 થી 2 ટકાનો ઘટાડો થયો હતો. તેનાથી વિપરીત, આઈટી શેરો (ઇન્ફોસિસ, TCS, ટેક મહિન્દ્રા અને HCL ટેક) માર્કેટના પ્રવાહથી ઉલટા 1 થી 3 ટકા વધ્યા હતા, જેના કારણે નિફ્ટી IT ઇન્ડેક્સ 2% મજબૂત થયો હતો.

વૈશ્વિક તણાવ અને ક્રૂડ ઓઇલમાં તેજી

બજારમાં આ ઘટાડા પાછળ પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો સૈન્ય તણાવ મુખ્ય કારણ છે. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂને બેરૂત પર મોટો હુમલો કરતા રોક્યા છે, છતાં સરહદ પર અનિશ્ચિતતા યથાવત છે.

આ તણાવને કારણે કાચા તેલના ભાવ ઉછળ્યા છે. બ્રિન્ટ ક્રૂડ $95 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ $92 પ્રતિ બેરલની નજીક પહોંચી ગયું છે. દરરોજ દુનિયાના 20% ગેસ-તેલની અવરજવર જ્યાંથી થાય છે તે 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' જલમાર્ગ બંધ થવાની આશંકાથી બજાર ભયભીત છે.


FII ની આક્રમક વેચવાલી

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય બજારમાંથી સતત નાણાં ખેંચી રહ્યા છે. સોમવારે જ તેમણે ₹3,912 કરોડના શેર વેચ્યા હતા, જ્યારે 29 મેના રોજ ₹22,102 કરોડની ઐતિહાસિક વેચવાલી કરી હતી. ચાલુ વર્ષમાં વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી ₹2.47 લાખ કરોડની રોકડ પાછી ખેંચી ચૂક્યા છે.


નિષ્ણાતોનું શું કહેવું છે? 

જીઓજીત ઇન્વેસ્ટમેન્ટ્સના ચીફ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારના જણાવ્યા મુજબ, અમેરિકા, કોરિયા અને તાઈવાનના બજારો રેકોર્ડ બનાવી રહ્યા છે જ્યારે ભારતીય બજાર પાછળ રહી ગયું છે. ઉર્જા સંકટને કારણે ભારતનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટ્યો છે અને મોંઘવારી વધી છે. વધુમાં, હવામાન વિભાગ (IMD) એ ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો (લાંબા ગાળાના સરેરાશના 90%) રહેવાની આગાહી કરી છે, જે આર્થિક રિકવરી માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો- આ એક જિલ્લો, ગણાય છે Litchi Capital of India, જાણો કયો ?