મંગળવારે અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાડવાનું નોટિફિકેશન જાહેર કર્યુ. એનો અર્થ એ કે અમેરિકા તરફથી કોઇ રાહત મળી નથી. એટલે આજે રાત્રે 12 વાગ્યા પછીથી ટેરિફ લાગુ થશે.ટેરિફના ખૌફને કારણે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. પરંતુ માર્કેટમાં એટલો મોટો કડાકો આજે જોવા મળ્યો નથી. ટેરિફને કારણે 1000-1500 પોઇન્ટ તૂટે તેવી આશા હતી પરંતુ 500 થી 600 પોઇન્ટનો ઘટાડો નોંધાયો. ત્યારે આવુ કેમ.. આવો જાણીએ.

શેર બજારમાં કડાકો થતા આ પરિબળોએ બચાવ્યા

GST સુધારાની જાહેરાત

15મી ઓગસ્ટના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાની પ્રાચીર પરથી GST સુધારાની જાહેરાત કરી. આ અંતર્ગત GST સ્લેબમાં ફક્ત 5 અને 18 ટકા ટેક્સ રાખવાનો પ્રસ્તાવ છે. 12 અને 28 ટકાના સ્લેબને દૂર કરવાની વાત ચાલી રહી છે. કેટલીક પ્રોડક્ટ્સ માટે 40 ટકાનો ખાસ સ્લેબ રાખવામાં આવશે. નિષ્ણાંતોનો અંદાજ છે કે GST સ્લેબમાં ફેરફારને કારણે ઘણી વસ્તુઓ સસ્તી થશે.

ક્રૂડ ઓઇલમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ 2 અઠવાડિયાના શિખર પર હોવા છતાં ભાવ હજુ પણ $70 પ્રતિ બેરલથી નીચે છે. જેના કારણે ભારતના આયાત બિલ પર ખાસ અસર નહીં પડે. જો આપણે ડેટા પર નજર કરીએ તો બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $68 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે અને અમેરિકન તેલ $64 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે.

તહેવારોની મોસમને કારણે માંગમાં વધારો

તહેવારોની મોસમ દરમિયાન માંગમાં વધારો થાય છે.પિતૃ પક્ષના આગમન પહેલા ઘણા લોકો ખરીદીમાં વ્યસ્ત હોય છે. બીજી તરફ, પિતૃ પક્ષ પછી આવનારી માંગને પહોંચી વળવા માટે વેચાણકર્તાઓ પણ ઘણો માલ સંગ્રહ કરી રહ્યા છે. નિષ્ણાતોના મતે, આ માંગ શેરબજારને ટેકો આપી રહી છે.

ફેડ રેટ કટને કારણે FPI ઇનફ્લો વધશે

યુએસ સેન્ટ્રલ બેંક ફેડની પોલિસી મીટિંગ 16 અને 17 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે. જેમાં એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વ્યાજ દરમાં 0.25 ટકાનો ઘટાડો થઈ શકે છે. જેનો ભારતીય શેરબજારને પણ ફાયદો થવાની ધારણા છે. દર ઘટાડા પછી વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં રોકાણ કરવા પાછા ફરી શકે છે.ચાલુ વર્ષમાં, વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી રૂ. 1.17 લાખ કરોડથી વધુ રકમ ઉપાડી લીધી છે.

છૂટક રોકાણકારોની ખરીદી

છૂટક રોકાણકારો અથવા કહો કે DII ની ખરીદી સતત જોવા મળી રહી છે. જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન, ભારતીય રોકાણકારોએ શેરબજારમાં રૂ. 4 લાખ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. જેની અસર શેરબજારમાં સ્પષ્ટપણે દેખાઈ રહી છે અને બજારને ઝડપથી ઘટતા અટકાવી રહી છે.

Jio IPO

દેશની સૌથી મોટી કંપનીની AGM 27 ઓગસ્ટના રોજ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી આ AGMમાં તેમના ટેલિકોમ એકમ Jio ના IPO ની જાહેરાત કરી શકે છે. જે દેશનો સૌથી મોટો IPO હોઈ શકે છે. નિષ્ણાતોના મતે, આ સમાચાર શેરબજારને પણ પોઝિટીવ સંકેતો આપી રહ્યા છે.

વિદેશી રેટિંગ એજન્સીઓનો ભારત પર વિશ્વાસ

વિદેશી રેટિંગ એજન્સીઓને હજુ પણ ભારતના અર્થતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે. S&P એ તાજેતરમાં ભારતનું રેટિંગ BBB પોઝિટિવ અપગ્રેડ કર્યું છે. જ્યારે ફિચ અને મૂડીઝે રેટિંગમાં કોઈ ફેરફાર કર્યો નથી, તેમણે કહ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા અને ટ્રમ્પ ટેરિફ પર વધુ અસર થશે નહીં.