ગુરુવાર, 16 એપ્રિલના રોજ ભારતીય શેરબજારોમાં જોવા મળેલી શરૂઆતની તેજી ટકી શકી નહીં, અને બપોર સુધીમાં બજાર લાલ નિશાનમાં હતું. સેન્સેક્સ તેના દિવસના ઉચ્ચ સ્તરથી લગભગ 1,000 પોઈન્ટ ઘટી ગયો. નિફ્ટી 24,100 ની નજીક ગયો. રોકાણકારોએ દિવસના ઉચ્ચ સ્તર પર નફો બુક કર્યો. શેરબજારમાં ઘટાડાનું સૌથી મોટું કારણ નફા-બુકિંગ હતું. પરિણામે, સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો થયો. એક દિવસ પહેલા, બુધવારે, શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. 

શેર બજાર લાલ નિશાન સાથે બંધ

શેરબજાર આજે લાલ નિશાન સાથે બંધ થયું. ગુરવારે બપોરના સમયે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયું. સવારની તેજી બાદ બજારમાં બપોર પછી નરમાઈનું વલણ જોવા મળ્યું. સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાન સાથે બંધ થયા. સેન્સેકસ −146.42 (0.19%) પોઈન્ટના ઘટાડા સાથે 77,964.82 ના અંકે બંધ થયો. જયારે આ જ સમયે નિફ્ટી −43.45 (0.18%) પોઇન્ટના ઘટાડા સાથે 24,187.85ના અંકે બંધ થયો.  સવારે ભારતીય શેરબજાર સેન્સેક્સ +496.80 પોઇન્ટના વધારા સાથે 78,608.04 અંકે ખૂલ્યો જ્યારે નિફ્ટી +158.95 પોઇન્ટના વધારા સાથે 24,390.25 અંકે ખૂલ્યુ હતું. જયારે બપોર બાદ તેજી ઘટતા મંદીનું ગ્રહણ ફરી લાગ્યું.

ગુરુવારે બજાર બંધ થવાના સમયે મંદીનો દોર

બપોરે ૧:૩૦ વાગ્યાની આસપાસ, બીએસઈ સેન્સેક્સ ૩૬૪ પોઈન્ટ ઘટીને ૭૭,૭૪૭ પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી ૧૧૩ પોઈન્ટ ઘટીને ૨૪,૧૧૭ ની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં, સેન્સેક્સ ૭૮,૭૩૦ અને નિફ્ટી ૨૪,૪૦૦ પર પહોંચી ગયો હતો. જોકે, બાદમાં બજારે તેના બધા ફાયદા ગુમાવી દીધા. મધ્યપૂર્વીય યુદ્ધનો અંત આવવાની આશાએ ગઈકાલે શેરબજારમાં તેજી જોવા મળી હતી. ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું હતું. જયારે આજે ગુરુવારના દિવસે પણ સવારે બજાર ખુલવાના સમયે શેરબજારમાં તેજીનો જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. પરંતુ યુદ્ધવિરામની આશા પર પાણી ફરી વળતા બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો થયો.


વૈશ્વિક બજારમાં પરિવર્તન, રોકાણકારોમાં ચિંતા

ગઈકાલ 15 એપ્રિલના રોજ  સેન્સેક્સ અને નિફ્ટી બંને વધારા સાથે જ બંધ થયા હતા. બીએસઇ સેન્સેક્સ 1206 પોઇન્ટના વધારા સાથે 78053 અંકે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 367.95 પોઇન્ટના વધારા સાથે 24214 અંકે બંધ થયો હતો. બુધવારે એશિયન બજારો ઊંચા સ્તરે ખુલ્યા. ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો. વૈશ્વિક બજારમાં અચાનક સકારાત્મક પરિવર્તન પાછળનું એક મુખ્ય ઉત્પ્રેરક યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે તણાવ ઓછો કરવા અંગે વધતો આશાવાદ છે. જો કે આજે ફરી પાછું બજાર બંધ થવાનો સમયે મોટો ઘટાડો થયો હતો. બજાર ઘટાડા સાથે બંધ થતા રોકાણકારો ચિંતાતુર થઈ રહ્યા છે.