આજે 1 ઓક્ટોબરના રોજ ભારતીય શેરબજારોની શાનદાર શરૂઆત થઈ હતી. 8 દિવસના સતત ઘટાડા બાદ શેરબજારમાં તેજીનું સારું વલણ જોવા મળ્યું. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિર્ણયો અને ત્યારબાદ બેંકિંગ અને નાણાકીય શેરોમાં જોવા મળેલી મજબૂત ખરીદીને કારણે બજારમાં તેજી જોવા મળી. જ્યારે આજે બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ +750.27 (0.93%)પોઈન્ટ વધીને 81,017.89 અંકે બંધ થયો અને નિફ્ટી +237.55 (0.97%) પોઈન્ટ વધીને 24,848.65ના અંકે બંધ થયો.

સતત ઘટાડા બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો

મહત્વનું છે કે ગઈકાલે શેરમાર્કેટ લીલા નિશાનમાં બંધ થયું હતું. સેન્સેક્સ 80,543 અને નિફ્ટી  19.80 પોઇન્ટના ઘટાડા સાથે 24,634.90 અંકે બંધ થયો હતો. સોમવારે શેરબજાર તેજી સાથે ખૂલ્યું હતું જ્યારે મંગળવારે બજારમાં મિશ્રણ વલણ જોવા મળ્યું. બુધવારનો દિવસ બજાર માટે શુભ રહ્યો. આજે સવારે 12:10 વાગ્યાની આસપાસ, સેન્સેક્સ 658.10 પોઈન્ટ અથવા 0.82 વધીને 80,925.72 પર ટ્રેડ કરી રહ્યો હતો. નિફ્ટી 192.30 પોઈન્ટ અથવા 0.78 વધીને 24,803.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં 0.4% સુધીનો ઉછાળો જોવા મળ્યો.

RBIની જાહેરાત બાદ બજારમાં તેજીનો ચમકારો

શેરબજારમાં આજની તેજી પાછળનું સૌથી મોટું કારણ RBIની નાણાકીય નીતિ સમિતિની બેઠકની જાહેરાત હતી. RBIએ જાહેરાત કરી હતી કે તે રેપો રેટ 5.5% પર યથાવત રાખશે. આ સતત બીજી બેઠક છે જેમાં દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે, RBI ગવર્નર સંજય મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની નાણાકીય નીતિ સમિતિ (MPC) એ તટસ્થ વલણ જાળવી રાખ્યું હતું. બુધવારે ભારતીય રૂપિયો મજબૂત થયો. શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલર સામે 5 પૈસા વધીને 88.75 પર પહોંચ્યો, જેનાથી બજારને વધારાનો ટેકો મળ્યો.