આજે સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ઘટાડા સાથે ખૂલ્યું. ગુરુવારે વૈશ્વિક બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારો ઊંચા સ્તરે ખુલ્યા હતા. જયારે આજે શુક્રવારના રોજ સેન્સ્કેસ અને નિફ્ટીમાં બજારના આરંભે મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ −214.61 (0.25%) પોઈન્ટ ઘટીને 85,418.07ના સ્તરે ખૂલ્યો. જયારે નિફ્ટી −82.70 (0.32%) પોઈન્ટ ઘટીને 26,109.45ના અંકે ખૂલ્યો.
સ્થાનિક બજારની ઘટાડા સાથે શરૂઆત
યુએસ માર્કેટમાં ગઈકાલે 20 નવેમ્બરના રોજ મોટી ઉથલપાથલ થઈ હતી. તેની સ્થાનિક બજાર પર આજે અસર જોવા મળી. એટલે આજે ભારતીય બજારોમાં સાવચેતીભર્યા દૃષ્ટિકોણ તરફ ઈશારો કરી રહ્યો છે. વૈશ્વિક સ્તરે બજારમાં થતી વધઘટની સ્થાનિક બજારની પ્રારંભિક ચાલ નક્કી કરી શકે છે. આજે સપ્તાહના અંતિમ દિવસે બજાર એકીકરણ શ્રેણીમાં વેપાર કરે તેવી નિષ્ણાતોને અપેક્ષા છે. 21 નવેમ્બરના રોજ બજારના આરંભે ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ આજે કેટલીક કંપનીઓ તેમના ત્રિમાસિક પરિણામો જાહેર કરતા બપોરના સમય બાદ બજારમાં તેજી જોવા મળે તેવી સંભાવના છે.
ગુરુવાર સ્થાનિક બજાર માટે રહ્યો શુભ
ગઈકાલનો દિવસ શેર બજાર માટે સારો રહ્યો. ગતરોજ ગુરુવારના દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી. બજારના આરંભે સેન્સેક્સ 139 પોઇન્ટના વધારા સાથે 85,325 અંકે ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 47 પોઇન્ટના વધારા સાથે 26,100 અંકે ખૂલ્યો હતો. અને બજાર બંધ થવાના સમયે બપોરે 3.30 કલાકે સેન્સેક્સ 446 પોઇન્ટના વધારા સાથે 85,632 અંકે બંધ થયું હતું. જ્યારે નિફ્ટી 139.50 પોઇન્ટના વધારા સાથે 26,192 અંકે બંધ થયો હતો. શેરબજારમાં તેજી હતી તો ગઈકાલે 20 નવેમ્બરના રોજ સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો હતો.
આંતરરાષ્ટ્રીય સ્તરે બજારમાં વિસ્ફોટક સ્થિતિ
ગુરુવારે યુએસ માર્કેટની શરૂઆત વિસ્ફોટક રહી હતી, જયારે અંત વિનાશક રહ્યો. વોલ સ્ટ્રીટમાં અચાનક જ ભારે વેચવાલી જોવા મળી, જેના કારણે ત્રણેય મુખ્ય સૂચકાંકો બે મહિનામાં તેમના સૌથી નીચા સ્તરે પહોંચી ગયા. ટ્રેડિંગના અંતિમ કલાકમાં થયેલા ઉલટાણે રોકાણકારોને આશ્ચર્યચકિત કરી દીધા. ડાઉ જોન્સ લગભગ 400 પોઈન્ટ ઘટીને બંધ થયો. S&P 500 0.8% ઘટ્યો. Nasdaq 2% થી વધુ ઘટ્યો હતો.