રશિયાથી ભારત આવી રહેલી 20,000 ટન સનફ્લાવર ઓઇલની એક ખેપ રદ કરી દેવામાં આવી છે. બ્લેક સી વિસ્તારમાં બંદર અને સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનને કારણે સપ્લાયર આ માલ મોકલી શક્યો નહોતો. સનફ્લાવર ઓઇલના વેપારમાં આ પ્રકારની ખેપ રદ થવી એટલે કે ‘વોશઆઉટ’ થવાની ઘટના ઘણા વર્ષોથી જોવા મળી નથી. આ ઉપરાંત ભારત માટે આવતી લગભગ 60,000 ટન સનફ્લાવર ઓઇલની અન્ય ખેપો પણ મોડા પડી રહી છે. રશિયા અને યુક્રેન બંને તરફથી બ્લેક સી મારફતે સપ્લાય પર યુદ્ધની અસર પડી રહી છે.

બ્લેક સીની જગ્યાએ બાલ્ટિક રૂટનો વિકલ્પ

બ્લેક સી બંદરો પરથી માલ મોકલવામાં મુશ્કેલી વધતાં રશિયન સપ્લાયર્સ હવે સેન્ટ પીટર્સબર્ગ અને ઉસ્ટ-લુગા જેવા બાલ્ટિક સી બંદરો પરથી સનફ્લાવર ઓઇલ મોકલવાનો વિકલ્પ જોઈ રહ્યા છે. જોકે આ રૂટથી ભારત સુધી માલ પહોંચાડવામાં વધુ સમય અને ખર્ચ બંને થશે. ઇન્ટરનેશનલ સનફ્લાવર ઓઇલ એસોસિયેશનના પ્રમુખ સંદીપ બજોરિયાના જણાવ્યા મુજબ બાલ્ટિક બંદરો પરથી શિપમેન્ટ કરવામાં ફ્રેઇટ ખર્ચ વધશે અને મુસાફરીનો સમય લગભગ 10 દિવસ વધી શકે છે. તેમ છતાં હાલ બ્લેક સી વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનને જોતા આ વિકલ્પ અપનાવવો પડી શકે છે.

દર મહિને 2.5 લાખ ટન સનફ્લાવરની ખપત

ભારત પોતાની સનફ્લાવર ઓઇલની લગભગ સમગ્ર જરૂરિયાત આયાતથી પૂરી કરે છે. દેશમાં દર મહિને આશરે 2.5 લાખ ટન સનફ્લાવર ઓઇલની જરૂર પડે છે. પરંતુ ઓક્ટોબરમાં રશિયા અને યુક્રેનમાં લોડિંગમાં વિલંબને કારણે આયાત ઘટીને લગભગ 1.6 લાખ ટન રહી શકે છે. આ સંકટની અસર સપ્ટેમ્બરમાં જ જોવા મળી હતી. સપ્ટેમ્બરમાં ભારતની સનફ્લાવર ઓઇલ આયાત 36% ઘટીને 1.03 લાખ ટન થઈ હતી, જે એપ્રિલ 2022 પછીનું સૌથી નીચું સ્તર છે. બીજી તરફ પામ ઓઇલની આયાત 3.5% વધીને 8.10 લાખ ટનના 7 મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી હતી.

તહેવારો પહેલા પામ ઓઇલની ખરીદી વધી

ભારતમાં સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન તહેવારોની સિઝનમાં ખાદ્ય તેલની માંગ સામાન્ય રીતે વધી જાય છે. સનફ્લાવર ઓઇલના સ્ટોકમાં ઘટાડો અને નવી ખેપોમાં વિલંબ વચ્ચે ભારતીય ખરીદદારો હવે પામ ઓઇલ તરફ વધુ વળી રહ્યા છે. ભારતીય ખરીદદારોને આ સપ્તાહે માત્ર 3 દિવસમાં નવેમ્બર અને ડિસેમ્બરની ડિલિવરી માટે લગભગ 1.5 લાખ ટન ક્રૂડ પામ ઓઇલ ખરીદ્યું છે. આ માલ ભારતના પૂર્વ અને પશ્ચિમ બંને કાંઠે પહોંચાડવામાં આવશે.

પામ ઓઇલના વૈશ્વિક ભાવ પર પણ અસર થઈ શકે

ભારતની પામ ઓઇલની વધતી ખરીદીની અસર માત્ર સ્થાનિક બજાર પૂરતી સીમિત રહી શકે તેમ નથી. ભારત વિશ્વના સૌથી મોટા વેજિટેબલ ઓઇલ આયાતકારોમાંનું એક છે અને તેની વધેલી ખરીદીથી ઇન્ડોનેશિયા અને મલેશિયામાં રહેલા પામ ઓઇલના સ્ટોકમાં ઘટાડો થઈ શકે છે. તેના કારણે વૈશ્વિક બજારમાં પામ ઓઇલના ભાવને ટેકો મળી શકે છે.

આ સ્થિતિ દર્શાવે છે કે રશિયા-યુક્રેન યુદ્ધની અસર માત્ર ક્રૂડ ઓઇલ કે ગેસ સુધી મર્યાદિત નથી. બ્લેક સી વિસ્તારમાં પરિવહન અને બંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખોરવાતા ભારત જેવા મોટા આયાતકાર દેશમાં ખાદ્ય તેલની સપ્લાય ચેઇન પર પણ સીધી અસર પડી રહી છે.

આ પણ વાંચો: Swiggy Zomato GST: ઓનલાઈન ખાવાનું મંગાવો છો? ડિલિવરી ચાર્જ પર GST ઘટાડવાની તૈયારી