યુપીઆઈ (UPI) નો ઉપયોગ કરીને પેમેન્ટ કરતા હોવ, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. હાલમાં આ વિષય સુપ્રીમ કોર્ટમાં ચર્ચા હેઠળ છે કે શું યુપીઆઈ દ્વારા ચુકવણી સ્વીકારતા વેપારીઓ પાસેથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) વસૂલ કરી શકાય કે નહીં. આ અંગે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું છે કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને સુચારૂ રૂપે ચલાવવા અને જાળવી રાખવા માટે આ ચાર્જ અનિવાર્ય છે. આ વિવાદ માત્ર યુપીઆઈ ફી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં કાયદેસરની પ્રક્રિયા અને NPCI ના અધિકારોનો પણ સમાવેશ થાય છે.
યુપીઆઈ પર એમડીઆર (MDR) ચાર્જ ક્યારે અને કેવી રીતે લાગુ પડશે?
મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) એ ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ વેપારીઓએ ચૂકવવો પડતો ચાર્જ છે, જે બેંકો અને ચુકવણી સેવા પ્રદાતાઓ વચ્ચે વહેંચવામાં આવે છે. નવા નિયમો અનુસાર, કોઈપણ વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) યુપીઆઈ ટ્રાન્સફર સંપૂર્ણપણે મફત રહેશે અને ₹૨,૦૦૦ સુધીના મર્ચન્ટ પેમેન્ટ પર પણ કોઈ શુલ્ક નહીં લાગે.
નાના વેપારીઓને MDRથી મુક્તિ
આ ઉપરાંત, યુપીઆઈ ક્યૂઆર કોડ દ્વારા દર મહિને ₹1 લાખ સુધીની ચુકવણી મેળવતા નાના વેપારીઓને પણ એમડીઆરથી મુક્તિ આપવામાં આવી છે. જોકે, ₹2,000 થી વધુના ચોક્કસ વેપારી વ્યવહારો પર 0.4% એમડીઆર લાદવામાં આવ્યો છે, જ્યારે ₹75,000 કે તેથી વધુના વ્યવહારો માટે આ મર્યાદા મહત્તમ ₹300 સુધી સીમિત રહેશે. અમુક ક્ષેત્રોમાં ₹5 નો ફ્લેટ ચાર્જ અને મૂડી બજારના વ્યવહારો પર 0.02% નો દર લાગુ થશે. નાણા મંત્રાલયના અંદાજ મુજબ આ વ્યવસ્થાથી આશરે 96% વેપારીઓ અપ્રભાવિત રહેશે.
સુપ્રીમ કોર્ટમાં કયા સવાલો ઉઠાવવામાં આવ્યા છે?
વકીલ અંજન દત્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ચુકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ, 2007 ની સુધારેલી કલમ 10A તેમજ કેન્દ્ર સરકારની સૂચનાને પડકારવામાં આવી છે. આ અરજીમાં કેન્દ્ર સરકારની 14 સપ્ટેમ્બરની સૂચના અને 15 સપ્ટેમ્બરે જાહેર કરાયેલા એમડીઆર માળખા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદાર દ્વારા એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે સરકાર પાસે કયા આધારે તે નક્કી કરવાનો અધિકાર છે કે કયા ડિજિટલ પેમેન્ટ પર શુલ્ક લાગશે અને કયા પર નહીં. આ સાથે જ યુપીઆઈ અને રૂપે (RuPay) ડેબિટ કાર્ડ વચ્ચેના અલગ-અલગ વ્યવહાર સામે પણ વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.
NPCI એ પોતાના બચાવમાં શું દલીલ રજૂ કરી છે?
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલા પોતાના જવાબમાં NPCI એ સ્પષ્ટ કર્યું છે કે પીએસએસ (PSS) કાયદાની કલમ ૨૦ અને ૨૧ તેને લાગુ પડતા શુલ્ક સહિત ચુકવણી પ્રણાલીના નિયમો અને શરતો નક્કી કરવાની સત્તા આપે છે. એનપીસીઆઈ (NPCI) ની દલીલ છે કે એમડીઆર (MDR) એ કોઈપણ પ્રકારનો કર નથી, પરંતુ ડિજિટલ ચુકવણી સેવાઓ પૂરી પાડવા બદલ વસૂલવામાં આવતો એક વાણિજ્યિક (Commercial) ચાર્જ છે.
આ પણ વાંચો : Muhurat trading timing 2026: શેર માર્કેટમાં કયા દિવસે દિવાળી ? જાણો મૂહૂર્ત ટ્રેડિંગનો સમય