ઓનલાઇન ફૂડ અને ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મ 'સ્વિગી' (Swiggy) તેના ક્વિક-કોમર્સ વિભાગ 'ઇન્સ્ટામાર્ટ' (Instamart) માંથી 340 કર્મચારીઓની છટણી કરવાની તૈયારી કરી રહ્યું છે. કંપની વિકાસના આગામી તબક્કા માટે તેના વ્યવસાયનું પુનર્ગઠન કરી રહી છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર તેની નિર્ભરતા પણ વધારી રહી છે. મીડિયા અહેવાલો અનુસાર, આ બાબતથી વાકેફ વ્યક્તિઓએ આ માહિતી આપી છે. કંપનીએ ખર્ચ ઘટાડવા માટે આ છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે ઇન્સ્ટામાર્ટ સતત કેટલાક ત્રિમાસિક ગાળાથી નબળા પ્રદર્શન અને વધતા નુકસાનનો સામનો કરી રહ્યું છે.


કયા વિભાગો પ્રભાવિત થશે?

મળતી માહિતી અનુસાર "ઇન્સ્ટામાર્ટમાં, આ છટણી મુખ્યત્વે કોર્પોરેટ અને સપોર્ટ ફંક્શન્સ (સહાયક કાર્યો) સાથે સંકળાયેલી ટીમોને અસર કરશે." કંપનીએ અસરગ્રસ્ત કર્મચારીઓ માટે 'સેવરન્સ પેકેજ' (નોકરી છૂટતી વખતે મળતું વળતર) અને નવી નોકરી શોધવામાં મદદ (આઉટપ્લેસમેન્ટ સપોર્ટ) પૂરી પાડવાની વ્યવસ્થા કરી છે, તેમજ અન્ય સ્થળે સ્થળાંતર કરવા માટે પણ સહાયની ઓફર કરી રહી છે. જોકે, સ્વિગી દ્વારા આ બાબતે મીડિયાના પ્રશ્નોનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.


આ પગલું બ્લિન્કિટ (Blinkit), ઝેપ્ટો (Zepto), ફ્લિપકાર્ટ મિનિટ્સ (Flipkart Minutes), એમેઝોન નાઉ (Amazon Now) અને અન્ય કંપનીઓ તરફથી વધી રહેલી સ્પર્ધા વચ્ચે લેવામાં આવ્યું છે. તેમ છતાં, સ્વિગી પાસે પૂરતી મૂડી ઉપલબ્ધ છે; કંપની પાસે લગભગ ₹13500 કરોડની રોકડ અને રોકડ સમાન અસ્કયામતો (cash equivalents) છે.


નાણાકીય વર્ષ 2026-27 (FY27) ના બીજા ત્રિમાસિક ગાળામાં (Q2), સ્વિગીનું ચોખ્ખું નુકસાન વાર્ષિક ધોરણે (YoY) 15.6% ઘટીને ₹922 કરોડ થયું છે, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં ₹1092 કરોડ હતું. તેના અગાઉના ત્રિમાસિક ગાળામાં, બેંગલુરુ સ્થિત આ કંપનીએ ₹૭૯૧ કરોડનું નુકસાન નોંધાવ્યું હતું, કારણ કે તેના ક્વિક-કોમર્સ વિભાગ 'ઇન્સ્ટામાર્ટ'ના ઝડપી વિસ્તરણને કારણે કંપનીની નફાકારકતા પર દબાણ આવ્યું હતું. 

આ પણ વાંચો: UP: '2047 સુધી યુપી-દિલ્હીમાં રાહુલ-અખિલેશની જગ્યા નહીં...', કેશવ પ્રસાદ મૌર્યએ સપા અને કોંગ્રેસ પર સાઘ્યું નિશાન