ભારતીય IT સેક્ટરની મોટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે ગુરુવારે તેના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો ટેક્સ પછીનો નફો વાર્ષિક ધોરણે 1.4 ટકા વધીને ₹12,075 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં ₹11,909 કરોડ હતો. એક સર્વે મુજબ IT કંપનીનો નફો ₹12,528.3 કરોડ અને આવક ₹65,114 કરોડ હોવાનો અંદાજ હતો. ત્યારે કંપનીએ માત્ર નફો જ નહીં પણ દિવાળી પહેલા તેના રોકાણકારોને એક નોંધપાત્ર ભેટ પણ આપી છે. TCSએ પ્રતિ શેર ₹11ના બીજા વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
કંપનીને કેટલી થઈ આવક?
કંપનીની આ ક્વાર્ટરમાં આવક ₹65,799 કરોડ હતી, જે પાછલા ક્વાર્ટરની સરખામણીમાં 3.7% અને સ્થિર ચલણની દ્રષ્ટિએ 0.8% વધી છે. ઓપરેટિંગ માર્જિન 0.7% વધીને 25.2% થયું છે અને ચોખ્ખું માર્જિન 19.6% સુધી વિસ્તર્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર ચોખ્ખો નફો ₹12,904 કરોડ હતો. કામગીરીમાંથી રોકડ પ્રવાહ ચોખ્ખા નફાના 110% હતો. તમને જણાવી દઈએ કે ટાટા ગ્રુપની દિગ્ગજ કંપનીએ નફાની સાથે પોતાના રોકાણકારોને દિવાળી પહેલા જ ડિવિડન્ડની ભેટ આપી છે. કંપનીએ 11 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. જેની ચુકવણી 4 નવેમ્બર 2025એ કરવામાં આવશે. તેના માટે રેકોર્ડડેટ 15 ઓક્ટોબર 2025 નક્કી કરવામાં આવી છે.













