દેશની અગ્રણી અને પ્રતિષ્ઠિત આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS)એ ફરી એકવાર શેરબજારમાં સકારાત્મક માહોલ સર્જ્યો છે. કંપનીએ માર્ચ ત્રિમાસિકના મજબૂત પરિણામો જાહેર કરતાં બજારના નિષ્ણાતોની અપેક્ષાઓને પાછળ મૂકી દીધી છે. કંપનીના નેટ પ્રોફિટમાં વર્ષના ધોરણે 12 ટકાનો નોંધપાત્ર વધારો નોંધાયો છે, જે વધીને 13,718 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો

આ સાથે જ કંપનીએ પોતાના રોકાણકારોને મોટી ભેટ આપતાં પ્રતિ શેર 31 રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ જાહેરાતને કારણે નાના અને મોટા તમામ રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરિણામોની જાહેરાત પહેલાં જ શેરબજારમાં TCSના શેરોમાં સકારાત્મક ગતિ જોવા મળી. NSE પર કંપનીના શેર 1.2 ટકા વધીને 2,590 રૂપિયે બંધ થયા હતા, જ્યારે દિવસ દરમિયાન 2,593.80 રૂપિયાના ઉચ્ચ સ્તર સુધી પહોંચ્યા હતા.

ડિસેમ્બરમાં કંપનીએ અનેક પડકારોનો સામનો કર્યો

જો કે, આ સફળતા પાછળ કંપનીની મજબૂત વાપસી પણ મહત્વપૂર્ણ છે. અગાઉના ડિસેમ્બર ત્રિમાસિકમાં કંપનીને પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે નેટ પ્રોફિટમાં 16 ટકાનો ઘટાડો થઈને 10,720 કરોડ રૂપિયા રહ્યો હતો. આ ઘટાડા પાછળ નવા લેબર કોડ લાગુ થવાથી થયેલો 2,128 કરોડ રૂપિયાનો ખર્ચ, કાનૂની દાવાઓના નિરાકરણ માટે 1,010 કરોડ અને રીસ્ટ્રક્ચરિંગ માટે 253 કરોડ રૂપિયાની જોગવાઈ જવાબદાર હતી. તેમ છતાં, માર્ચ ત્રિમાસિકમાં કંપનીએ જોરદાર વાપસી કરતાં રોકાણકારોમાં વિશ્વાસ ફરી મજબૂત કર્યો છે.

આ પણ વાંચો : BHEL Share Price : કંપનીને આ મોટો ઓર્ડર મળવાની શક્યતા, શેરના ભાવમાં રોકેટગતિએ થયો વધારો

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.