ભારતમાં ઝડપથી વધી રહેલા ડિઝિટલાઇઝેશન વચ્ચે એક એવા સમાચાર સામે આવ્યા છે જેમાં મોબાઇલ અને ઇન્ટરનેટ યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મોબાઇલ અને ઇન્ટરનેટ મોંઘુ થઇ રહ્યું છે. આ વર્ષના અંતમાં ટેલિકોમ કંપનીઓ મોબાઇલના બિલમાં લગભગ 10થી 12 ટકાનો વધારો કરી શકે છે.
કેમ વધશે ટેરિફ?
ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝના અધિકારીઓ અને એક્સપર્ટનું માનવુ છે કે મે મહિનામાં એક્ટિવ સબ્સ્ક્રાઇબરમાં ઉછાળો આવ્યો છે. આ પાંચમો મહિના છે જ્યારે નવા યુઝરની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી ટેલિકોમ કંપનીઓની દર વધારવાની ઇચ્છા વધી ગઇ છે.
જો કે એક્સપર્ટે ચેતવી દીધા છે કે ગત વર્ષે જુલાઇ 2024માં દર વધ્યા હતા ત્યારે બેઝ પ્લાન 11થી 23 ટકા મોંઘા થયા હતા. તેવામાં જો હવે વધારો થાય છે તો ગ્રાહક કંપની છોડી શકે છે. તેમણે કહ્યું કે ટેરિફમાં વધારો અને પ્લાનમાં મળનાર ડેટા ઓછો કરવામાં આવી શકે છે. જેનાથી લોકોએ વધારે ડેટા વાળુ પેક ખરીદવા મજબૂર થવુ પડી શકે.
ફરીથી વધશે ભાવ?
ઇકોનોમિક્સ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર મે મહિનામાં સક્રિય વપરાશકર્તાઓની સંખ્યા છેલ્લા 29 મહિનામાં રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ છે. આ સમયગાળા દરમિયાન કુલ 74 લાખ નવા સક્રિય વપરાશકર્તાઓ ઉમેરાયા જેથી કુલ યુઝર્સની સંખ્યા વધીને લગભગ 108 કરોડ થઈ ગઈ છે. નિષ્ણાંતોનું કહેવુ છે કે જુલાઈ 2024 માં ટેલિકોમ કંપનીઓએ બેઝ પ્લાનમાં 11 થી 23 ટકાનો વધારો કર્યો હતો. આ પછી જુલાઈ અને નવેમ્બર વચ્ચે 2.1 કરોડ વપરાશકર્તાઓ ઘટ્યા હતા. જોકે હવે પરિસ્થિતિ સુધરી રહી છે.
Jio એ 55 લાખ ગ્રાહકો ઉમેર્યા
ટેલિકોમ માર્કેટની ટોચની ખેલાડી Reliance Jio Infocomm એ મે 2025 માં કુલ 55 લાખ સક્રિય વપરાશકર્તાઓ ઉમેર્યા છે. આનાથી Jio ના સક્રિય વપરાશકર્તાઓમાં 150 બેસિસ પોઇન્ટનો વધારો થયો છે અને તે 53 ટકા સુધી પહોંચી ગયો છે. જ્યારે ભારતી એરટેલે 13 લાખ સક્રિય ગ્રાહકો ઉમેર્યા છે. હવે કંપની પાસે 36 ટકા સક્રિય ગ્રાહકો છે.