ઘણી વખત ફાસ્ટ ચાર્જિંગ દરમિયાન ચાર્જર અને ફોન બંનેનું તાપમાન વધી શકે છે. પરંતુ જો ચાર્જર એટલું ગરમ થઈ જાય કે તેને અડવું પણ મુશ્કેલ લાગે, વારંવાર ચાર્જિંગ બંધ થઈ જાય અથવા બળવાની ગંધ આવે તો તેને અવગણવું ન જોઇએ. 

ચાર્જિંગની પ્રક્રિયા સમજવી હોય તો એવું કહી શકાય કે મોબાઇલ ચાર્જ કરતી વખતે ચાર્જર ઘરની વીજળીને ફોનની જરૂરિયાત મુજબ ઓછા વોલ્ટેજવાળી વીજળીમાં બદલે છે. આ પ્રક્રિયામાં થોડી ઊર્જા ગરમીના રૂપમાં બહાર આવે છે. તેથી ચાર્જર થોડું ગરમ થાય તે કોઈ ખામીની નિશાની નથી. ફાસ્ટ ચાર્જિંગમાં વધુ પાવર ઝડપથી ફોન સુધી પહોંચે છે. તેથી સામાન્ય ચાર્જિંગની સરખામણીએ ગરમી થોડી વધુ અનુભવાઈ શકે છે.  

ચાર્જર કેટલું ગરમ થાય તો સામાન્ય ગણાય?

ચાર્જર થોડું ગરમ કે હૂંફાળો થાય તો તે સામાન્ય રીતે ચિંતાની વાત નથી. તેને અડવાથી ગરમ લાગી શકે છે, પરંતુ સામાન્ય સ્થિતિમાં તેને અડવું મુશ્કેલ ન હોવું જોઈએ. અહીં કોઈ એક ચોક્કસ તાપમાન નક્કી કરવું યોગ્ય નથી, કારણ કે અલગ-અલગ ચાર્જર, ફાસ્ટ ચાર્જિંગની ક્ષમતા, રૂમનું તાપમાન અને ફોનના ઉપયોગ પ્રમાણે ગરમી અલગ હોઈ શકે છે.

જો ફોન અથવા ચાર્જરનું તાપમાન વધારે વધી જાય તો ઘણા ડિવાઇસ પોતાની મેળે ચાર્જિંગની ઝડપ ઓછી કરી દે છે અથવા થોડા સમય માટે ચાર્જિંગ બંધ કરી દે છે.

આ સંકેતોને બિલકુલ અવગણશો નહીં

જો ચાર્જર ખૂબ વધારે ગરમ થઈ રહ્યું હોય, તો તેને અડવામાં તકલીફ પડી રહી હોય અથવા તેમાંથી વિચિત્ર ગંધ આવતી હોય તો તરત ચાર્જિંગ બંધ કરી દો. એ જ રીતે પ્લગ, કેબલ અથવા ચાર્જિંગ પોર્ટ પાસે અસામાન્ય ગરમી અનુભવાય તો પણ સાવધાન રહેવું જોઈએ. કપાયેલો કે ખરાબ કેબલ અને હલકી ગુણવત્તાવાળા અથવા નકલી ચાર્જર પણ વધારે ગરમી પેદા કરી શકે છે. આવી સ્થિતિમાં પ્રમાણિત અથવા કંપનીના વિશ્વસનીય ચાર્જર અને કેબલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

ચાર્જરને ઠંડું રાખવા શું કરવું?

ચાર્જિંગ દરમિયાન ચાર્જરને તકિયા, ધાબળા અથવા કોઈ બંધ જગ્યાની નીચે ન રાખો. તેને ખુલ્લી અને હવાની અવરજવરવાળી જગ્યાએ રાખો. મોબાઇલ ચાર્જ કરતી વખતે સતત ગેમ રમવી, વીડિયો ચલાવવો અથવા ફોન પર વધુ કામ કરવું પણ ફોનને ગરમ કરી શકે છે અને ચાર્જિંગ ધીમું થઈ શકે છે. જો ચાર્જર સતત ગરમ થઈ રહ્યું હોય તો પહેલાં તેને કાઢીને ઠંડું થવા દો. ત્યાર બાદ બીજા વિશ્વસનીય ચાર્જર અને કેબલથી તપાસ કરો. સમસ્યા વારંવાર થતી હોય તો ચાર્જર અથવા ફોનના ચાર્જિંગ પોર્ટની તપાસ કરાવવી વધુ યોગ્ય છે.