ડિજિટલ બેંકિંગના સમયમાં વધતી જતી સાયબર છેતરપિંડી અને ઓનલાઇન ફ્રોડને રોકવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. ગ્રાહકોના બેંક ખાતાઓને સુરક્ષિત રાખવા માટે RBI એ 'સ્ટોપ સ્વિચ' અને 'વિશ્વસનીય વ્યક્તિ મિકેનિઝમ' જેવી નવી સુરક્ષા વ્યવસ્થાઓનો પ્રસ્તાવ મૂક્યો છે. ઘણીવાર સાયબર ગુનેગારો ગ્રાહકોને ખબર પડે તે પહેલાં જ ખાતામાંથી રકમ ઉપાડી લેતા હોય છે, ત્યારે આ નવી સુવિધાઓ ડિજિટલ વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવામાં મદદરૂપ સાબિત થશે.
સ્ટોપ સ્વિચ કરશે ઇમર્જન્સી સુવિધા તરીકે કામ
'સ્ટોપ સ્વિચ' એ બેંક ખાતા માટે એક પ્રકારની ઇમર્જન્સી સુવિધા તરીકે કામ કરશે. જો કોઈ ગ્રાહકને એવી શંકા થાય કે તેમનું ખાતું હેક થયું છે અથવા તેઓ છેતરપિંડીનો ભોગ બન્યા છે, તો તેઓ એક જ ક્લિકથી ખાતામાંથી થતા તમામ આઉટગોઇંગ ડેબિટ તાત્કાલિક અટકાવી શકશે. સ્ટોપ સ્વિચ ચાલુ કર્યા બાદ ખાતામાંથી કોઈ નવો ડિજિટલ વ્યવહાર થઈ શકશે નહીં, નવો પેમેન્ટ મેન્ડેટ કે સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન બની શકશે નહીં અને નવી થર્ડ-પાર્ટી UPI એપ પર પણ રજિસ્ટ્રેશન થઈ શકશે નહીં. ગ્રાહકો મોબાઇલ એપ, ઇન્ટરનેટ બેંકિંગ, ATM, બેંક શાખા અથવા કસ્ટમર કેર દ્વારા તેને ચાલુ કે બંધ કરી શકશે. હેકર્સ સરળતાથી તેનો દુરુપયોગ ન કરી શકે તે માટે તેને બંધ કરવાના નિયમો કડક રાખવામાં આવ્યા છે, જેમાં બહુવિધ ચકાસણી અને કૂલિંગ-ઓફ પીરિયડનો સમાવેશ થાય છે.
