છેલ્લા ઘણા સમયથી YouTube તેની પોલિસીમાં સતત મોટા ફેરફારો કરી રહ્યું છે. પહેલા YouTubeએ એકાઉન્ટ મેનેજ કરવા માટેની ઉમરમાં ફેરફાર કર્યા અને ત્યારબાદ YouTubeએ AI આધારિત વિડીયો અને કોપી પેસ્ટ કરેલા વિડિયો પર પણ કાર્યવાહી કરી અને હવે એક નવો નિયમ પણ થોડા સમયમાં લાગુ થશે.

ઓરિજનલ વિષય પસંદ કરાશે

YouTube જે રીતે તેના નિયમોમાં એક બાદ એક ફેરફાર કરી રહ્યું છે એ કરવા પાછળનું મુખ્ય કારણ એ માનવામાં આવે છે YouTube હવે ઓરિજનલ કન્ટેન્ટ પર ભાર મૂકવા માંગે છે. મતલબ કે હવે જેટલા પણ કન્ટેન્ટ ક્રિએટરો છે તેમને તેમની ચેનલ એટલેકે એકાઉન્ટ ચલાવવા માટે હવે ઓરિજનલ વિષય પસંદ કરવો પડશે કોપી પેસ્ટ કે પછી AIની મદદ નહીં લઈ શકાય. જો કોઈ પણ એકાઉન્ટ આ નિયમ તોડે છે તો YouTube તે ચેનલ પર કાર્યવાહી કરી શકે છે.

શું છે નવો નિયમ?

આવનારી 15 જુલાઈ, 2025થી YouTube તેના મુદ્રીકરણ એટલેકે કંપની તરફથી આપવામાં આવતી કમાણીની બાબત પર થોડા કડક અમલીકરણ કરવા જઈ રહ્યું છે. હવે ચેનલને મોનેટાઇઝ કરવા માટે ક્રિએટર પાસે તેમના એકાઉન્ટમાં 1000થી વધુ સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ અને આ ઉપરાંત ક્રિએટરની ચેનલમાં 12 મહિનામાં 4000 પબ્લિક વોચ થવા જોઈએ અથવા તો 90 દિવસમાં 1 કરોડ શોર્ટ્સ વ્યૂઝ હોવા જોઈએ અને સૌથી મોટી વાત કે કન્ટેન્ટ ઓરિજનલ હોવું જોઈએ.

મોટી ચેનલોને થશે અસર

હાલ YouTubeની હાલત કઈક એવી છે કે તમે YouTube ઓપન કરો એટલે તમને મોટા ભાગના કન્ટેન્ટ એકજ પ્રકારના જોવા મળશે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે YouTube હાલ આ પ્રકારના કડક પગલા લઈ રહયું છે. એવી ઘણી મોટી ચેનલો છે, એકાઉન્ટ છે કે જેમની રેવન્યુ AI ની મદદથી જનરેટ કરવામાં આવેલા વિડીયોથી થાય છે. જેમાં તેમની કોઈ મૌલિકતા જોવા મળતી નથી. આવનારી 15 જુલાઈથી લાગુ પડવા જઈ રહેલ આ નિયમ આવી ઢગલાબંધ મોટી ચેનલોને અસર કરશે.