ભારતના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હવે ટેલિકોમ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે મોટો દાવ રમવાની તૈયારીમાં છે. રિલાયન્સની કંપની જિયો પ્લેટફોર્મ્સ અમેરિકાની બે મોટી કંપનીઓ સાથે ખાસ પ્રકારની ભાગીદારી માટે વાતચીત કરી રહી છે. આ કંપનીઓનાં નામ કોમકાસ્ટ અને ચાર્ટર કોમ્યુનિકેશન્સ છે. જિયો પોતાની વાયરલેસ ઇન્ટરનેટ ટેક્નોલોજી આ કંપનીઓને આપવા માગે છે. તેના બદલામાં બંને કંપનીઓમાં હિસ્સો મેળવવાની શક્યતા પણ તપાસવામાં આવી રહી છે. રોઇટર્સના અહેવાલ મુજબ, આ વાતચીતથી જિયોને અમેરિકાના મોટા બજારમાં પ્રવેશવાની તક મળી શકે છે. 

શું છે જિયોની ખાસ ટેક્નોલોજી?

જિયોની આ યોજના પાછળ તેની યુબીઆર એટલે કે અનલાઇસન્સ્ડ બેન્ડ રેડિયો ટેક્નોલોજી છે. આ ટેક્નોલોજીની સૌથી ખાસ વાત એ છે કે તેના દ્વારા ઘરો સુધી ઇન્ટરનેટ પહોંચાડવા માટે પરંપરાગત કેબલ પાથરવાની જરૂર પડતી નથી. આ પદ્ધતિમાં નજીકના ટાવર અથવા ઇમારતોની છત પર ટ્રાન્સમીટર લગાવવામાં આવે છે. તેના દ્વારા વાઇ-ફાઇ આવર્તનનો ઉપયોગ કરીને ઊંચી ઝડપનું ઇન્ટરનેટ ઇમારતોમાં લગાવવામાં આવેલા રિસીવર સુધી પહોંચાડવામાં આવે છે. આ માટે મોંઘા ટેલિકોમ સ્પેક્ટ્રમ ખરીદવાની પણ જરૂર પડતી નથી. આ જ કારણે કોમકાસ્ટ અને ચાર્ટર જેવી કંપનીઓ માટે આ ટેક્નોલોજી ફાયદાકારક સાબિત થઈ શકે છે. અમેરિકામાં આ બંને કંપનીઓ પરંપરાગત કેબલ દ્વારા ઇન્ટરનેટ સેવા આપે છે, પરંતુ હવે તેમને ફાઇબર અને વાયરલેસ સેવાઓ તરફથી સ્પર્ધા મળી રહી છે.

જિયોની નજર 10થી 15 દેશી-વિદેશી ભાગીદારો પર

જિયો માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ પોતાની ટેક્નોલોજી પહોંચાડવા માગે છે. કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે તે પોતાની ટેક્નોલોજી માટે વૈશ્વિક સ્તરે 10થી 15 ભાગીદારો શોધી રહી છે. જિયો વિદેશમાં પોતાની ઇન્ટરનેટ સેવા માટે નવાં નેટવર્ક ઊભાં કરવાને બદલે ત્યાંની સ્થાનિક કંપનીઓને પોતાની ટેક્નોલોજી આપીને આગળ વધવા માગે છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ પણ કહ્યું હતું કે જિયો વિકસિત અને વિકાસશીલ બંને પ્રકારનાં બજારોમાં આ ટેક્નોલોજી પહોંચાડવા માગે છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારો પસંદ કરતી વખતે કંપની ખૂબ જ સાવચેતી રાખશે.

દક્ષિણ આફ્રિકાની કંપની સાથે વાત કેમ અટકી? 

જિયોએ દક્ષિણ આફ્રિકાની એમટીએન ગ્રુપ સાથે પણ ભાગીદારી માટે વાતચીત કરી હતી. જોકે, બંને કંપનીઓ વચ્ચે કંપનીના મૂલ્ય અને ટેક્નોલોજી વાપરવાની કેટલીક શરતો અંગે સહમતી બની શકી નહોતી. પરિણામે આ વાતચીત આગળ વધી શકી નહીં. નોંધનીય છે કે જિયો પાસે ભારતમાં 50 કરોડથી વધુ ટેલિકોમ ગ્રાહકો છે. આ ઉપરાંત કંપનીના લગભગ દોઢ કરોડ વાયરવાળા બ્રોડબેન્ડ ગ્રાહકો છે. કંપનીના જણાવ્યા મુજબ, તેની યુબીઆર ટેક્નોલોજીનો ઉપયોગ કરતા ગ્રાહકોની સંખ્યા પણ 65 લાખથી વધુ થઈ ગઈ છે.

ગયા અઠવાડિયે જિયો પ્લેટફોર્મ્સનો 3.2 અબજ ડોલરનો આઈપીઓ આવ્યો હતો અને કંપની શેરબજારમાં નોંધાઈ હતી. હવે અમેરિકાની મોટી કંપનીઓ સાથેની આ વાતચીત સફળ થાય તો જિયો માટે આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની ઓળખ મજબૂત કરવાની નવી તક ઊભી થઈ શકે છે. જોકે, સોદો ક્યારે થશે તે અંગે હજુ કોઈ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી.

આ પણ વાંચો: Gold Price: સોનામાં ફરી મોટો ઉછાળો! ચાંદી પણ 5% ઉછળી; જાણો પાછળનું મોટું કારણ