મળતી માહિતી મુજબ આગામી 10-11 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં કર્મચારી પેન્શન યોજનામાં 1,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા કરવાના નિર્ણય અંગે ચર્ચાનું આયોજન થઈ શકે છે.

લઘુત્તમ પેન્શનમાં વધારો થશે!

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી જે CBT તરીકે ઓળખાય છે તેની આગામી બેઠક 10 અને 11 ઓક્ટોબરના રોજ બેંગલુરુમાં થવાની છે. આ બેઠક લઘુત્તમ પેન્શન ધારકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે કેમકે મળતી માહિતી મુજબ લઘુત્તમ પેન્શન રકમ 1,000 રૂપિયાથી વધારીને 2,500 રૂપિયા પ્રતિ માસ કરવાના પ્રસ્તાવ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

2014થી લઘુત્તમ પેન્શનમાં નથી થયા ફેરફાર

EPFO ​​હેઠળ કર્મચારી પેન્શન યોજના (EPS-95) હેઠળ લઘુત્તમ પેન્શન હાલમાં 1,000 રૂપિયા પ્રતિ માસ છે. આ રકમ 2014 માં નક્કી કરવામાં આવી હતી. 2014થી ચાલી રહેલ આ યોજનામાં અને તેની કિંમતમાં અત્યાર સુધી કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો. એવામાં વિવિધ કર્મચારી સંગઠનો પણ મોંઘવારી અને ફુગાવાને ધ્યાનમાં રાખીને માંગ કરી રહ્યા છે કે કર્મચારી પેન્શન યોજના હેઠળ પેન્શનની રકમમાં વધારો થાય.

EPFO પેન્શન કેવી રીતે નક્કી કરવામાં આવે છે?

EPS યોજના હેઠળ લઘુત્તમ પેન્શન ધારકોને મળતી સહાય એક નિશ્ચિત વિશ્લેષણને આધારે નક્કી કરવામાં આવે છે. જેમાં પેન્શનપાત્ર પગાર એ છેલ્લા 60 મહિનાની સેવા માટે સરેરાશ મૂળભૂત પગાર + મોંઘવારી ભથ્થું છે, જેની મહત્તમ મર્યાદા ₹15,000 છે. પેન્શનપાત્ર સેવા કુલ સેવા વર્ષોની સંખ્યા દર્શાવે છે, જો તે 6 મહિના કે તેથી વધુ હોય તો તેને પૂર્ણ કરવામાં આવે છે, અને પેન્શન માટે પાત્ર બનવા માટે ઓછામાં ઓછા 10 વર્ષની સેવા જરૂરી છે. પેન્શનપાત્ર પગારની મહત્તમ મર્યાદા દર મહિને ₹15,000 છે.