2025નું વર્ષ ભારતના ઉર્જા ક્ષેત્ર માટે એક સારૂ વર્ષ છે. આ વર્ષે દેશની સ્વચ્છ ઉર્જા ક્ષમતામાં વધારો થયો છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે ભારતે 2025માં તેની સ્વચ્છ ઉર્જા યાત્રામાં એક રેકોર્ડબ્રેક વર્ષ હાંસલ કર્યું, જેમાં સ્થાપિત નોન-ફોસિલ ઈંધણની ક્ષમતા વધીને 266.78 ગીગાવોટ થઈ.
2024ની સરખામણીમાં 22.6 ટકાનો વધારો
આ 2024ની સરખામણીમાં 22.6 ટકાનો વધારો દર્શાવે છે, જ્યારે નોન-ફોસિલ કેપેસીટી 217.62 ગીગાવોટ હતી અને આ વર્ષે 49.12 ગીગાવોટની નવી નોન-ફોસિલ કેપેસિટી ઉમેરવામાં આવી હતી. તેમણે કહ્યું કે સોલર એનર્જીએ આ ગ્રોથને લીડ કર્યું, સ્થાપિત ક્ષમતા 2024માં 97.86 GWથી વધીને 2025માં 135.81 GW થઈ, જે 38.8 ટકાનો નોંધપાત્ર વધારો દર્શાવે છે. પવન ઉર્જા ક્ષમતામાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી, જે 48.16 GWથી વધીને 54.51 GW થઈ, જે 13.2 ટકાનો વધારો દર્શાવે છે. એકંદરે, સૌર અને પવન ઉર્જાએ આ વર્ષે ભારતના નવીનીકરણીય ઉર્જા વિસ્તરણને આગળ ધપાવ્યું.
બાયોએનર્જી અને સ્મોલ હાઈડ્રોનો પણ રહ્યો દબદબો
2025માં એકંદરે વિકાસમાં અન્ય નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોએ પણ નોંધપાત્ર યોગદાન આપ્યું. બાયોએનર્જી માટેની સ્થાપિત ક્ષમતા 11.61 GW સુધી પહોંચી, જેમાં કચરાથી ઊર્જાના ઓફ-ગ્રીડ પ્રોજેક્ટ્સમાંથી 0.55 GWનો સમાવેશ થાય છે, જે સ્વચ્છ ઈંધણ ઉત્પાદન અને કચરા વ્યવસ્થાપનમાં સતત પ્રગતિ દર્શાવે છે. નાની હાઈડ્રો પાવર ક્ષમતા વધીને 5.16 GW થઈ, જે વિકેન્દ્રિત અને સ્થાનિક નવીનીકરણીય ઉર્જા વિકાસને ટેકો આપે છે. મોટી હાઈડ્રો પાવર ક્ષમતા 50.91 GW હતી, જેમાં 7,175.6 મેગાવોટ પમ્પ્ડ સ્ટોરેજનો સમાવેશ થાય છે, જે ગ્રીડને સ્થિર કરવામાં અને નવીનીકરણીય ઉર્જાને એકીકૃત કરવામાં મદદ કરે છે.
પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે 2025માં પ્રાપ્ત થયેલા રેકોર્ડ વૃદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મજબૂત નીતિ દિશા, લાંબા ગાળાના દ્રષ્ટિકોણ અને સતત અમલીકરણને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે આ પ્રગતિ ભારતને ઊર્જા સુરક્ષા, આબોહવા પરિવર્તન સામે લડવા અને આત્મનિર્ભર ગ્રીન અર્થતંત્ર તરફના માર્ગને વધુ મજબૂત બનાવે છે, જ્યારે 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના રાષ્ટ્રીય લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધી રહી છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય સમગ્ર દેશમાં નવીનીકરણીય ઉર્જાના ઉપયોગને વધુ વેગ આપવા માટે રાજ્યો અને તમામ હિસ્સેદારો સાથે નજીકથી કામ કરવાનું ચાલુ રાખશે.
આ પણ વાંચો: Auto News : Electric Car ચાર્જ કરતી વખતે ક્યારેય ન કરો આ ભૂલ, નહીંતર થઈ શકે છે મોટું નુકસાન