ભારતીય શેરબજારમાં ગયા સપ્તાહ દરમિયાન જોરદાર તેજી જોવા મળી હતી. સેન્સેક્સની ટોપ 10 સૌથી વધુ માર્કેટકેપ ધરાવતી કંપનીઓમાંથી 9 કંપનીઓનું કુલ માર્કેટ કેપ મળીને ₹2.15 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો હતો. આ દરમિયાન માત્ર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ના માર્કેટ કેપમાં ઘટાડો થયો હતો.


LICની શું છે સ્થિતિ?

સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 1,274.95 અંક અથવા 1.68 ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો. સૌથી વધુ લાભ ભારતી એરટેલને થયો હતો, જેના માર્કેટ કેપમાં ₹52,432 કરોડથી વધુનો વધારો થઈ ₹11.62 લાખ કરોડ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ એલઆઈસી (LIC)ના માર્કેટ કેપમાં ₹51,675 કરોડનો વધારો નોંધાઈ ₹5.56 લાખ કરોડ થયો હતો.

કેટલું રહ્યું TCSનું માર્કેટકેપ?

બજાજ ફાઈનાન્સના માર્કેટ કેપમાં ₹26,553 કરોડનો વધારો થઈ ₹5.98 લાખ કરોડ થયો હતો. જ્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માર્કેટ કેપ ₹22,464 કરોડનો વધારો થઈ ₹17.71 લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. લાર્સન એન્ડ ટુબ્રો (L&T), સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), HDFC બેંક, હિંદુસ્તાન યુનિલિવર અને ICICI બેંકના માર્કેટ કેપમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. બીજી તરફ, TCSને નુકસાન થયું હતું. કંપનીના માર્કેટ કેપમાં ₹12,699 કરોડનો ઘટાડો થઈ તે ₹7.69 લાખ કરોડ પર આવી ગયું હતું.

નવી કંપનીના લિસ્ટિંગ પર રોકાણકારોની નજર 

માર્કેટ કેપના આધારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની તરીકે પ્રથમ સ્થાને યથાવત રહી હતી. ત્યારબાદ HDFC બેંક, ભારતી એરટેલ, ICICI બેંક, SBI, TCS, બજાજ ફાઇનાન્સ, L&T, LIC અને હિંદુસ્તાન યુનિલિવરનો ક્રમ રહ્યો હતો. આગામી સપ્તાહમાં SME સેગમેન્ટમાં નવી લિસ્ટિંગ્સ પર રોકાણકારોની નજર રહેશે.

આ પણ વાંચો : PF ખાતાધારકો માટે ખુશખબર, તમારા ખાતામાં વ્યાજ ક્યારે જમા થશે? જાણો સંપૂર્ણ માહિતી

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.



  • Follow us on: