ભારતમાં કયાંક રીક્ષા ચાલકોની હડતાળ ચાલી રહી છે. તો કયાંક લોકોની સુવિધા બનેલ ઉબેર અને રેપિડો જેવી એપ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. જો તમે ચંદીગઢમાં રહો છો અને રોજિંદા પ્રવાસ માટે એપ- આધારિત કેબનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ચંદીગઢની સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (STA) એ જાણીતી કેબ એગ્રીગેટર કંપનીઓ ઉબેર (Uber) અને રેપિડો (Rapido) ના લાઇસન્સ છ મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે. આ નિર્ણય તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે અને માર્ચ 2027 સુધી લાગુ રહેશે.

લાઇસન્સ સસ્પેન્ડ કરવાનું મુખ્ય કારણ

STA ના જણાવ્યા અનુસાર, ઉબેર અને રેપિડો બંને કંપનીઓ વારંવાર 'ચંદીગઢ એડમિનિસ્ટ્રેશન મોટર વ્હીકલ એગ્રીગેટર્સ રેગ્યુલેશન્સ 2025' ના નિયમોનું ઉલ્લંઘન કરી રહી હતી. ઓથોરિટીએ 8 સપ્ટેમ્બરના રોજ આ કડક આદેશ જારી કર્યો હતો. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે કંપનીઓને નિયમોનું પાલન કરવા પૂરતો સમય અને અનેક તકો આપવામાં આવી હતી. પરંતુ સુધારા કરવાને બદલે કંપનીઓ કેન્દ્ર સરકારની 2025ની માર્ગદર્શિકા લાગુ કરવાની માંગ કરી રહી હતી. વધુમાં, જુલાઈ 2026 માં કંપનીઓએ જમા કરાવેલી વાહનોની યાદીમાં ખાનગી (બિન-વાણિજ્યિક) વાહનોનો સમાવેશ થતો હતો, જે ચંદીગઢમાં કેબ સેવા તરીકે ચલાવવા માટે માન્ય નથી.

ડ્રાઇવર સુરક્ષા અને ભાડાના નિયમોની અવહેલના

STA સચિવ નીતિશ સિંગલાના જણાવ્યા મુજબ, કંપનીઓને નીચેના મહત્વના મુદ્દાઓ પર અમલ કરવા માટે પૂરતી ચેતવણીઓ આપવામાં આવી હતી.

  • ડ્રાઇવરોની નિયમિત આરોગ્ય તપાસ (Health Check-up) 
  • ડ્રાઇવર ટર્મ ઇન્સ્યોરન્સ અને જરૂરી તાલીમ
  • નિશ્ચિત ભાડા (Fixed Fare) સંબંધિત નિયમોનું પાલન

આ નિયમોનું પાલન ન થવા ઉપરાંત મુસાફરો તરફથી પણ ઉલ્લંઘનની અસંખ્ય ફરિયાદો મળી હતી, જેના પરિણામે આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ઓલા અને ઇનડ્રાઇવ પર પહેલાથી જ પ્રતિબંધ

નોંધનીય છે કે આ અગાઉ ચંદીગઢમાં ઓલા (Ola) અને ઇનડ્રાઇવ (InDrive) ના લાઇસન્સ પણ ૬ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઉબેર અને રેપિડો પર પણ પ્રતિબંધ લાગતા હવે શહેરમાં સેવા આપતા ચારેય મુખ્ય કેબ એગ્રીગેટર્સ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે. આનાથી દૈનિક મુસાફરી કરતા લોકો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે.

હવે શહેરમાં મુસાફરીનો વિકલ્પ શું?

ચારેય મુખ્ય એપ-આધારિત કેબ સેવાઓ બંધ થવાથી શહેરમાં પ્રવાસના વિકલ્પો ખૂબ સીમિત થઈ ગયા છે. હવે સહકારી ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત 'ભારત ટેક્સી' (Bharat Taxi) શહેરમાં મુખ્ય કેબ સેવા તરીકે ઉપલબ્ધ રહેશે. વિકલ્પો ઘટવાને કારણે લોકો હવે સિટી બસ અને અન્ય સ્થાનિક જાહેર પરિવહન (Local Transport) પર વધુ નિર્ભર બનશે.