શેરબજારમાં જબરદસ્ત ઘટાડો આવ્યો છે. બજેટની રજૂઆત વચ્ચે આજે ભારતીય શેરબજાર ડાઉન જોવા મળ્યું. સેન્સેક્સ 1,843.43 પોઇન્ટ તૂટીને 80,722.94 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 651 પોઇન્ટના ઘટાડા સાથે 24,767.05 અંકે બંધ થયો. 

અચાનક શેરબજારમાં ઘટાડો કેમ?

શેરબજારમાં અચાનક ઘટાડો સ્પેશિયલ ટેક્સ (STT) માં વધારાને કારણે હોવાનું માનવામાં આવે છે. બજેટ દરમિયાન, નાણામંત્રી નિર્મલા સીતારમણે સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં વધારો કર્યો હતો, જેનાથી ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરતા રોકાણકારોને મોટો ફટકો પડ્યો હતો. ફ્યુચર્સ માટે STT 0.025% થી વધારીને 0.05% કરવામાં આવ્યો હતો. ઓપ્શન ટ્રેડિંગ માટે STT 0.1% થી વધારીને 0.15% કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે પણ આ જ ટેક્સ વધારો કરવામાં આવ્યો હતો.

8 લાખ કરોડનું નુકસાન ! 

આ જાહેરાત બાદ, શેરબજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, જેમાં સેન્સેક્સ અને નિફ્ટી તૂટી પડ્યા. અગાઉ, શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી હતી. જોકે, STTમાં વધારો જાહેર થતાં જ શેરબજારમાં ગભરાટની સ્થિતિ હતી. રોકાણકારોએ એક જ ઝટકામાં ₹8 લાખ કરોડ ગુમાવ્યા.

બજાર સોમવારની રાહ જોઈ રહ્યું છે

અચાનક ઘટાડાને કારણે કેટલીક લાર્જ-કેપ કંપનીઓના શેરના ભાવ ઘટ્યા હતા, જેના કારણે રોકાણકારો આ શેરોમાં નીચલા સ્તરેથી ફરીથી રોકાણ કરવા લાગ્યા હતા, જેના કારણે રિકવરી આવી હતી. જોકે, શેરબજાર દબાણ હેઠળ છે અને સોમવારની રાહ જોઈ રહ્યું છે, કારણ કે વિદેશી રોકાણકારો સોમવારે ભારતીય બજારમાં પ્રવેશ કરે તેવી અપેક્ષા છે.