કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2026-27ના બજેટમાં સામાન્ય જનતા માટે મિશ્ર સમાચાર આવ્યા છે. વ્યસનીઓ માટે આ બજેટ ખિસ્સા પર ભારે પડવાનું છે, કારણ કે સિગારેટ અને તમાકુ ઉત્પાદનો પર ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. હવે સિગારેટ પર 40% GST ઉપરાંત વધારાનો સેસ અને પ્રતિ સ્ટિક શુલ્ક લાગશે. દારૂના વેચાણ પર ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ (TCS) નો દર 1% થી વધારીને 2% કરી દેવામાં આવ્યો છે, જેના કારણે દારૂના ભાવમાં પણ વધારો જોવા મળશે. જોકે, સ્વાસ્થ્ય ક્ષેત્રે સરકારે મોટી ઉદારતા બતાવી છે; ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓની દવાઓ સસ્તી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે લાખો દર્દીઓ માટે સંજીવની સમાન સાબિત થશે.
સિગારેટ પર 40% GST નો માર
બીજી તરફ, ટેકનોલોજી અને સ્પોર્ટ્સના શોખીનો માટે બજેટ ખુશીઓ લઈને આવ્યું છે. 'મેક-ઇન-ઇન્ડિયા'ને વેગ આપવા માટે દેશમાં બનેલા સ્માર્ટફોન અને ટેબલેટ પર રાહત આપવામાં આવી છે, જેનાથી આ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સસ્તા થશે. આ ઉપરાંત, સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ એટલે કે રમતના સાધનો પરની ડ્યુટી ઘટાડતા ક્રિકેટ, ફૂટબોલ અને બેડમિન્ટન જેવી રમતોના સાધનો હવે ઓછા ભાવે ઉપલબ્ધ થશે. ચામડાની બનાવટો જેવી કે જૂતા અને બેગની કિંમતોમાં પણ ઘટાડો થવાની સંભાવના છે. આમ, સરકારે મોજશોખની અને નુકસાનકારક વસ્તુઓ પર ટેક્સ વધારીને જીવનરક્ષક દવાઓ અને શિક્ષણ-રમતગમતને સસ્તું કરી સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.













