કેન્દ્રીય બજેટ 2026 નજીક આવી રહ્યું છે. બજાર નિષ્ણાત અને રોકાણકારોની બજેટ પર નજર છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી વધુ એક વખત ઇતિહાસ રચશે. નિર્મલા સીતારમણ રવિવાર, 1 ફેબ્રુઆરીના રોજ સંસદમાં કેન્દ્રીય બજેટ (2026-27) રજૂ કરશે. સંસદમાં નાણામંત્રીનું બજેટ ભાષણ સવારે 11 વાગ્યે શરૂ થશે. દેશભરના વિવિધ ક્ષેત્રોને બજેટથી ઘણી અપેક્ષાઓ છે. બજેટમાં કિસાન સમ્માન નિધિ અને કૃષિ ક્ષેત્રમાં મોટા ફેરફારની અપેક્ષા છે.


બજેટ પર ખેડૂતોને મોટી અપેક્ષા

ભારતમાં ખેડૂતોને જગતના 'તાત' કહેવામાં આવે છે. દુનિયાની નજરે ભારત ખેતી પ્રધાન દેશ કહેવાતો હતો અનેક ખાદ્યવસ્તુઓની દુનિયામાં નિકાસ થતી. પરંતુ બદલાતા હવામાનના કારણે હાલમાં ભારતના ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. વાવણી બાદ તૈયાર થયેલ પાક પર અચાનક કુદરતી આપદાના કાણે મોટું નુકસાન થાય છે. એવી સ્થિતિમાં ઔદ્યોગિક ક્ષેત્રમાં અગ્રેસર થતું ભારત કૃષિક્ષેત્રને કેટલું મહત્વ આપશે તે આ બજેટમાં સામે આવશે. રવિવારે રજૂ થતા કેન્દ્રીય બજેટ પર ખેડૂતોને મદદની મોટી આશા છે.

કિસાન સન્માન નિધિ યોજનામાં ફેરફારની અપેક્ષા

આર્થિક સર્વેક્ષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રને લઈને વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સરકારનું ધ્યાન ખેડૂતોના સશક્તિકરણ પર છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 11 કરોડ ખેડૂતોને કુલ 4.09 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોનો મોટો સહારો માનવામાં આવે છે. આ યોજના હેઠળ પાત્ર સીમાન્ત અને નાના સમયના ખેડૂતોને પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા 6,000 સુધીની ન્યૂનતમ આવકની સહાય અપાય છે. દર 4 મહિને રૂપિયા 2,000ના ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં વાર્ષિક રૂપિયા 6,000 ની નાણાંકીય સહાય સીધી વિતરિત કરવામાં આવે છે. ખેડૂતોને આશા છે કે આજના મોંઘવારીના સમયમાં કિસાન સન્માન નિધિ યોજનામાં અપાતી સહાયમાં વધારો કરવામાં આવી શકે.

કૃષિ ક્ષેત્રના ખેડૂતોની માંગણીઓ

કૃષિ વિકાસ અંગે ખેડૂતોની મુખ્ય માંગણીઓમાં ખાતર અને બિયારણની ઉપલબ્ધતા, સિંચાઈ સુવિધાઓનો વિસ્તાર, પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) ને કાનૂની દરજ્જો આપવો અને PM કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાં વધારો કરવાનો સમાવેશ થાય છે. ખેડૂતોનું માનવું છે કે જો સરકાર તેમની આ માંગણીઓનો બજેટમાં સમાવેશ કરશો તો કૃષિ ક્ષેત્ર મજબૂત થશે અને તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. નિષ્ણાત કહે છે કે બીજ, યુરિયા, ખાતર, કૃષિ સાધનો, ટ્રેક્ટર અને ડીઝલ સહિત ઘણી વસ્તુઓ છે જેના પર GST ઘટાડવાથી ખેડૂતોને નોંધપાત્ર રાહત મળી શકે છે.


આ પણ વાંચો : Union Budget 2026: બજેટ બાદ આમ આદમીનું 'બજેટ' બદલાશે, જાણો સસ્તા મોંઘાનું ગણિત

  • Follow us on: